અજિત પવારને ભાજપનો સંગાથ ફળ્યો?ઃ સિંચાઈ કૌભાંડ કેસ બંધ

Wednesday 27th November 2019 06:07 EST
 
 

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભાજપ સાથે મળીને સરકાર રચનારા નાયબ મુખ્ય પ્રધાન (હવે ભૂતપૂર્વ) અજિત પવારને માત્ર બે દિવસમાં મોટી રાહત મળી છે. તેમના નામ સાથે સંકળાયેલા ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના સિંચાઈ કૌભાંડ સંબંધિત ૯ કેસની ફાઇલો બંધ કરી દેવાઇ છે. આ કૌભાંડ વિદર્ભ ક્ષેત્રમાં થયું હતું અને મહારાષ્ટ્ર એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ ૨૦૧૮માં કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.
એસીબીના ડિરેક્ટર જનરલ પરમબીર સિંહે સોમવારે કહ્યું હતું કે જે ફાઇલો બંધ કરવામાં આવી છે એમાં એકમાં પણ અજિત પવારનું નામ નહોતું. આ તમામ રૂટીન કેસ હતા અને એમાં કોઈ અનિયમિતતા જોવા મળી નથી. આ કેસ શરતોને આધીન બંધ કરાયા છે. જો એમાં કોઈ નવી જાણકારી મળશે તો ફરીથી કેસ ખોલી શકાય છે.
સમગ્ર મામલો શું છે?
૧૯૯૯થી ૨૦૧૪ વચ્ચે મહારાષ્ટ્રમાં ૧૫ વર્ષ સુધી કોંગ્રેસ-એનસીપીની યુતિ સરકાર હતી ત્યારના આ કેસ છે. એ સમયે જુદા જુદા સમયે અજિત પવાર સિંચાઈ પ્રધાન હતા. આર્થિક સર્વેક્ષણમાં સામે આવ્યું હતું કે એક દશક સુધી સિંચાઈની અલગ અલગ પરિયોજના પર ૭૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવા છતાં રાજ્યમાં સિંચાઈ ક્ષેત્રનો વિસ્તાર માત્ર ૦.૧ ટકા જ વધ્યો હતો. આ યોજનાઓમાં નિયમો નેવે મૂકીને કેટલાક લોકોને ટેન્ડરો આપી દેવાયાનો આરોપ મુકાયો હતો. ૨૦૧૦માં કોંગ્રેસ-એનસીપી સરકારમાં અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાન બન્યા પણ ભ્રષ્ટાચારના આરોપોના પગલે ૨૦૧૨માં તેમને રાજીનામું આપવું પડયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter