નવી દિલ્હીઃ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની કિડનીની બીમારી વકરતાં ૧૧મી જૂને નવી દિલ્હીના એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વાજપેયીજને લોઅર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઈન્ફેક્શન અને કિડની સંબંધી પડતી તકલીફોને કારણે દાખલ કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન તેમને યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેકશન થયું હોવાનું સામે આવ્યું છે. એમ્સે જણાવ્યું છે કે ૯૩ વર્ષીય વાજપેયીની હાલત સ્થિર છે અને તેમની યોગ્ય સારવાર ચાલી રહી છે. જોકે તેમને હાલમાં હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં જ રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સોમવારે બપોરે રૂટીન ચેકઅપ માટે અટલ બિહારી વાજપેયીને દાખલ કરવામાં આવ્યા હતા. વાજપેયીની તબિયતના સમાચાર મળતાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત દિગ્ગજ નેતાઓએ વાજપેયીની તબિયત પૂછવા એમ્સ ગયા હતા. ૯૩ વર્ષીય પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના આરોગ્ય વિશે એમ્સ તરફથી મેડિકલ બુલેટિન રજૂ કરવામાં આવ્યુ છે. એમ્સે કહ્યું કે અટલજીની તબિયત સ્થિર છે.