નવી દિલ્હીઃ ભાજપના અગ્રણી અને માર્ગદર્શક લાલકૃષ્ણ અડવાણીએ સાંકેતિક રીતે પાકિસ્તાન સાથે સંબંધ સુધારવાની વકીલાત કરી છે અને ભાગલા પછી જન્મસ્થાન પાકિસ્તાનમાં ગયાનો ખેદ વ્યક્ત કર્યો છે. દિલ્હીમાં ઇન્ડિયા ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં અડવાણીએ કહ્યું કે, હું કોઇ દેશનું નામ લેવા નથી ઇચ્છતો, પરંતુ એશિયામાં એવા ઘણા દેશ છે કે જેમની સાથેના ભારતના સંબંધ સહજ થઇ જશે તો મને ખુશી થશે. કાર્યક્રમમાં બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના પણ હાજર હતા. અડવાણી આ પહેલાં પણ સિંધ વિના ભારત અધૂરું હોવાની વાત કહી ચૂક્યા છે. અડવાણીનો જન્મ કરાચીના એક સિંધી કુટુંબમાં થયો હતો. બાળપણની સ્મૃતિઓ વણાયેલી હોવાથી કરાચી તે અડવાણીનું પસંદગીનું શહેર છે.
સિંધ વિના ભારત અધૂરું
દિલ્હીમાં આ વર્ષે યોજાયેલા પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલયના સ્થાપક આધ્યાત્મિક ગુરુ પિતાશ્રી બ્રહ્માના ૪૮મા અધિરોહણ સમારંભમાં અડવાણીએ કહ્યું હતું કે સિંધ વિના ભારત અધૂરું છે.તેમણે કહ્યું હતું કે બાળપણના દિવસોમાં સિંધમાં ઇજીજીમાં સક્રિય હતો.
ભારતના લોકોના સાથ બદલ આભાર: શેખ હસીના
આ પ્રસંગે બાંગ્લાદેશના વડાં પ્રધાન શેખ હસીનાએ કહ્યું હતું કે ભારત સરકાર અને અહીંના લોકોએ બાંગ્લાદેશની આઝાદીની લડાઇમાં હૃદયપુર્વક સાથ આપ્યો હતો. બાંગ્લાદેશની સંસદે પ્રસ્તાવ પસાર કર્યો છે કે પાકિસ્તાનના અત્યાચારની યાદમાં ૨૬ માર્ચે નરસંહાર દિવસની ઉજવણી થશે.હસીનાએ તિસ્તા જળ સમજૂતી અંગે મમતા બેનરજી વિરુદ્ધ કટાક્ષ કરતાં કહ્યું હતું કે કોમન વોટર રિસોર્સ આપણી તાકાત વધારવામાં મદદ કરશે.