અનંતનાગમાં પાછા ફરી રહ્યા છે પંડિતો, મકાનોનું થઈ રહ્યું છે નિર્માણ

Sunday 17th April 2022 06:14 EDT
 
 

શ્રીનગરઃ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના એક નાનકડા ગામમાં અડધો ડઝન ઘર ઊભા થઈ રહ્યા છે કે પછી તેનું સમારકામ ચાલી રહ્યું છે. તે ઘર 1990ના દાયકાની શરૂઆતમાં ઉગ્રવાદ વધતાં કાશ્મીર ખીણ વિસ્તારમાંથી પલાયન કરી ગયેલા કાશ્મીરી પંડિતોના છે. આ કોલોનીમાં લગભગ 15 કાશ્મીરી પંડિત પરિવાર પાછા ફરી ચૂક્યા છે કે પછી પાછા ફરવાની યોજના ઘડી રહ્યા છે. તે મકાનો વર્ષોથી જર્જરિત સ્થિતિમાં હતા. હવે એવું લાગી રહ્યું છે કે કોલોનીમાં રોનક પાછી ફરી રહી છે. અહેવાલ મુજબ માર્તંડ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અશોકકુમાર સિદ્ધે જણાવ્યું હતું કે, ‘હા, મકાન ફરી બની રહ્યા છે. પંડિત સમુદાય પોતાના ઘરોમાં પાછા ફરવા વિચારે છે. જમ્મુમાં પણ પંડિત સમુદાય પાછા ફરવા વિચારે છે. 15 ઘર એવા છે કે જે બની રહ્યા છે. આવનારા વર્ષોમાં વધુ મકાનો બનશે. મને ભરોસો છે કે સ્થિતિ શાંતિપૂર્ણ રહી તો બધા પાછા ફરશે.’ વીતેલા વર્ષો દરમિયાન ખીણ વિસ્તારમાં અનેક પરિવાર પાછા ફર્યા છે.
‘અમે હંમેશાં હળીમળીને રહ્યા છીએ’
સ્થાનિક પાડોશી મહમદ રજબ લોનએ એક અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘પલાયન કરી ગયેલાઓ પૈકી ઘણાબધા લોકો પાછા ફરી ચૂક્યા છે કે પાછા ફરી રહ્યા છે. અહીં ઘણા નવા ઘર બની રહ્યા છે. અમે તેમની સાથે છીએ અને તેઓ પાછા ફર્યા તે બાબતને પસંદ કરીએ છીએ. અમે હંમેશાં અમારા મોટા તહેવારો સાથે મનાવતા હતા. કાકાજી ઘણા વર્ષો પછી પાછા ફર્યા છે. તેમનું ઘર પહેલેથી જ છે અને તેઓ જલદી તેમાં રહેવા પણ લાગશે. તેમને અમારા પર વિશ્વાસ છે અને અમને તેમના પર ભરોસો છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter