અનિલ અંબાણી ચાઈનાને ૭૧.૭ કરોડ ડોલર ૨૧ દિવસમાં કઈ રીતે ચૂકવશે?

Saturday 30th May 2020 05:12 EDT
 
 

મુંબઈઃ એક સમયે ટોચના ધનવાનોમાં સામેલ અનિલ અંબાણી દેવાના ડુંગર તળે દટાઇ ગયા છે. આ સંજોગોમાં તેમના માટે બાકી દેણાં ચૂકવવા માટે રહીસહી અસ્ક્યામતો પણ વેચવાનો વખત આવ્યો છે. લંડન સ્થિત કોર્ટ દ્વારા ચાઈનાના ઈન્ડસ્ટ્રીયલ બેંક ઓફ ચાઈનાના નેતૃત્વ હેઠળના બેંકિંગ કોન્સોર્શિયમને ૨૧ દિવસમાં ૭૧.૭૦ કરોડ ડોલર ચૂકવી દેવા અનિલ અંબાણીને અપાયેલા આદેશમાં હવે રહીસહી એસેટ્સ પણ વેચીને આ દેવું ચૂકતે કરવા હિલચાલ થઇ રહી હોવાનું ભારતીય અખબારોના અહેવાલમાં જણાવાઇ રહ્યું છે.
અનિલ અંબાણી ગ્રૂપના ભાગરૂપ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર દ્વારા તેના બીએસઈએસ રાજધાની પાવર (બીઆરપીએલ) અને બીએસઈએસ યમુના પાવર (બીવાયપીએલ)માં દરેકમાં ૫૧ ટકા હોલ્ડિંગને વેચવા માટે ખરીદદારો શોધવા કેપીએમજીને રોકવામાં આવી છે. આ કંપનીઓમાં દિલ્હી સરકારનું બાકી ૪૯ ટકા હોલ્ડિંગ છે.
અનિલ અંબાણી ગ્રૂપ દ્વારા તેનું હોલ્ડિંગ વેચવા માટે ત્રણ બીડરો દ્વારા બીડ રજૂ કરાઈ હોવાનું જાણવા મળે છે. જેમાં ભારતની ખાનગી પાવર પ્રોડયુસર-ડિસ્ટ્રીબ્યુટર્સ ગ્રીનકો અને ટોરન્ટ પાવર દ્વારા બીડ કરાઈ હોવા સાથે ઈટાલીની સૌથી મોટી યુટીલિટી કંપની એનેલ ગ્રૂપ દ્વારા પણ બીડ કરાઈ છે. ગ્રાહકોની રીતે દિલ્હી ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ ભારતનું સૌથી મોટું એકમ છે.
ઉલ્લેખનીય છે કે અનિલ અંબાણીનું ગ્રૂપ તેનું એન્ટરપ્રાઈસ મૂલ્ય રૂ.૫૦૦૦ કરોડ જેટલું મૂકી રહ્યું છે. આ એસેટ ઘણા ખાનગી ઈક્વિટી ફંડો બ્રુકફિલ્ડ, સીડીપીક્યુ અને આઈ-સ્ક્વેર્ડ કેપિટલ વગેરેને બતાવવામાં આવી હતી, પરંતુ એ પૈકી માત્ર ત્રણ જ બીડ હજુ સુધી રજૂ થયાનું કહેવાય છે. આ એસેટ્સ માટે ડિલિજન્સ પ્રક્રિયા ટૂંક સમયમાં જ શરૂ થવાની શક્યતા છે.
અત્રે નોંધનીય છે કે અગાઉ કોર્ટના આદેશથી અનિલ અંબાણીને એરિક્સનનું દેવું ચૂકતે કરવાની ફરજ પડી હતી. જ્યારે હવે લંડનની કોર્ટ દ્વારા ૨૧ દિવસમાં જ અનિલ અંબાણીએ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કમર્શિયલ બેંક ઓફ ચાઈનાના નેતૃત્વ હેઠળના ચાઈનીઝ બેંકિંગ કોન્સોર્શિયમને ૭૧.૭૦ કરોડ ડોલર એટલે કે રૂ. ૫૩૭૮ કરોડ જેટલા ચૂકવી દેવા આદેશ આપી દેવાયો છે. આ લોન ગ્રૂપ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ દ્વારા લેવામાં આવી હતી. આ અગાઉ ગત વર્ષ એરિકસનને ચૂકવણીમાં વિલંબ બદલ અનિલ અંબાણીને જેલમાં જવું પડે તેવા સંજોગો સર્જાયા હતા.
અનિલ અંબાણી દ્વારા મુંબઈસ્થિત પાવર ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ ગત ઓગસ્ટ ૨૦૧૮માં રૂ. ૧૮,૮૦૦ કરોડમાં અદાણી ટ્રાન્સમિશન લિમિટેડને વેચવામાં આવ્યો હતો. આ એસેટ માટે પણ ગ્રીનકો અને ટોરન્ટ દ્વારા બીડ કરવામાં આવી હતી. અદાણી આ વખતે બીડિંગ હરીફાઈથી દૂર રહી છે, જોકે જાણકારોનું કહેવું છે કે છેલ્લી ઘડીમાં આ વખતે પણ અદાણી હરીફાઈમાં ઉતરે એવી શકયતા છે. રિલાયન્સ ગ્રુપ અને ટાટા પાવર દિલ્હીના ૯૩ ટકા વીજ પુરવઠો પૂરો પાડે છે.
બે બીએસઈએસ કંપનીઓ દિલ્હીમાં ૪૪ લાખથી વધુ ગ્રાહકો ધરાવે છે અને ટોચની ૪.૮ ગીગાવોટ વીજ માંગને સંભાળે છે. ગત જુલાઈમાં નવી દિલ્હીમાં વીજ માંગ સર્વોચ્ચ ૭.૪ ગીગાવોટ પહોંચી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter