અનિલ અંબાણીને ‘સુપ્રીમ’ આદેશઃ નાણાં ચૂકવો નહીં તો જેલભેગા થાવ

Thursday 21st February 2019 04:09 EST
 
 

નવી દિલ્હીઃ છેલ્લા લાંબા સમયથી એક યા બીજા પ્રકારે આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા એડીએજી ગ્રૂપના વડા અનિલ અંબાણીને વધુ આંચકો લાગ્યો છે. ભારતની સર્વોચ્ચ અદાલતે ટેલિકોમ કંપની એરિક્સન સામેના એક કેસમાં અનિલ અંબાણીને આદેશ આપ્યો છે કે કાં તો કંપનીના બાકી નાણાં ચૂકવો નહીં તો જેલમાં જાવ. સુપ્રીમ કોર્ટે રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આરકોમ)ના વડા અનિલ અંબાણીને જાણીજોઈને પોતાના આદેશનું ઉલ્લંઘન કરવાનો અને ટેલિકોમ સાધનો બનાવતી સ્વિડીશ કંપની એરિકસનને આપવાના થતા રૂપિયા ૫૫૦ કરોડ ન ચુકવવાનો આરોપ મૂકીને અદાલતની અવમાનના બદલ દોષી ઠેરવ્યા છે. કોર્ટે અનિલ અંબાણીને એરિકસનને આપવાના થતા નાણાં ચાર સપ્તાહમાં ચુકવવા માટે આદેશ કર્યો છે સાથે સાથે જ જણાવ્યું છે કે જો તેમ નહીં થાય તો ત્રણ મહિનાની જેલની સજા ભોગવવા તૈયાર રહેવા કહ્યું છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ આર. એફ. નરીમાન અને જસ્ટિસ વિનીત સરને આ આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અનિલ અંબાણી, રિલાયન્સ ટેલિકોમના અધ્યક્ષ સતીશ શેઠ અને રિલાયન્સ ઈન્ફ્રાટેલના છાયા વિરાણીએ અદાલતમાં તેમણે આપેલી બાંહેધરીનું ઉલ્લંઘન કર્યું છે.
અનિલ અંબાણી અને અન્યોએ જો અવમાનના કેસમાં જેલની સજામાંથી બચવું હોય તો ચાર સપ્તાહમાં રૂપિયા ૪૫૩ કરોડ એરિકસન કંપનીને ચુકવી દેવા પડશે. આ સાથે સુપ્રીમ કોર્ટે રિલાયન્સ ટેલિકોમ અને રિલાયન્સ ઈન્ફ્રાટેલને ચાર સપ્તાહની અંદર કોર્ટની રજિસ્ટ્રીમાં એક-એક કરોડ રૂપિયા જમા કરાવવાનો પણ આદેશ કર્યો છે. જો આમ નહીં થાય તો વિરાણી અને શેઠને વધારાની એક-એક મહિનાની જેલ ભોગવવી પડશે.
સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવાયું છે કે, એડીએજી (અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રૂપ) તરફથી અદાલતની રજિસ્ટ્રીમાં પહેલાં રૂપિયા ૧૧૮ કરોડ જમા કરાવાયા છે તે એરિકસન કંપનીને આપી દેવામાં આવે. ‘રિલાયન્સ જૂથના ટોચના નેતૃત્વ તરફથી આશ્વાસનો આપવામાં આવ્યાં હતાં. તેનાથી એવું પ્રતીત થયું છે કે તેમણે જાણીજોઈને એરિકસન કંપનીને આપવાના થતા રૂપિયા આપ્યા નથી,’ તેમ કોર્ટે તેની નોંધમાં કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે આ સાથે એડીએજી દ્વારા માગવામાં આવેલી બિનશરતી માફીને પણ ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, તેણે પોતાના જ સોગંદનામાનો ભંગ કર્યો છે.
અનિલ અંબાણી વતી કોર્ટમાં ઉપસ્થિત થયેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે, તેઓ સુપ્રીમ કોર્ટના આદેશનું સન્માન કરે છે અને આરકોમ જૂથ એરિકસનને તેના પૈસા પાછા આપી દેશે તેવી તેમને આશા છે.

સમગ્ર વિવાદ શું છે?

સુપ્રીમ કોર્ટે ૨૩ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ આ કેસની સુનાવણી કરતાં આરકોમને આદેશ આપ્યો હતો કે તેઓ એરિકસન કંપનીને ૧૫મી ડિસેમ્બર સુધીમાં રૂપિયા ૫૫૦ કરોડની બાકીની રકમ આપી દે. જો રકમ ચુકવવામાં વિલંબ થશે તો તેણે વાર્ષિક ૧૨ ટકા વ્યાજ પણ આપવું પડશે. સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થતાં એરિકસને કોર્ટમાં અવમાનના અરજી દાખલ કરી હતી. ૨૦૧૩માં એરિકસને રિલાયન્સ જૂથની કંપનીઓ સાથે એક કરાર કર્યો હતો. તે પછી બંને વચ્ચે વિવાદ થતાં કરાર રદ થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter