અપૂરતા પુરાવા અને અચોક્કસ તથ્યો વચ્ચે આરુષિ તલવારના માતા પિતાને આકરી સજા ન કરાયઃ હાઈ કોર્ટ

Friday 13th October 2017 11:43 EDT
 
 

નોઇડા, અલાહાબાદઃ બહુચર્ચિત આરુષિ-હેમરાજ હત્યા કેસમાં અલાહાબાદની કોર્ટે ૧૨મીએ આરુષિના માતા-પિતા નુપૂર અને રાજેશ તલવારને દોષમુક્ત ગણાવ્યા છે. હાઇ કોર્ટે સીબીઆઇની તપાસને ખામીયુક્ત ગણાવી તલવાર દંપતીને શંકાનો લાભ આપ્યો હતો. હાઈ કોર્ટે કહ્યું કે સીબીઆઇ તપાસમાં અનેક ભૂલોના કારણે આરુષીના માતા પિતાને દોષી ઠેરવવા માટે પૂરતા પુરાવા નથી. સીબીઆઇ કોર્ટના ચાર વર્ષ જૂના ચુકાદાને ફેરવી તોળતા હાઇ કોર્ટ તલવાર દંપતીને તત્કાળ છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો. જેલમાં કેદ તલવાર દંપતી આખી રાત ઊંઘી શક્યાં નહોતાં. સવારના નાસ્તા બાદ બન્નેએ પ્રાર્થના કરી હતી. ટીવી પર ચુકાદો સાંભળતાં જ નુપૂરે કહ્યું હતું કે આજે ન્યાય મળ્યો છે. ચુકાદો સાંભળીને તેઓ રડી પડ્યાં હતાં તથા એકમેકને ભેટી પડ્યાં હતાં.

જસ્ટિસ વી. કે. નારાયણ અને એ. કે. મિશ્રાની બેન્ચે કહ્યું કે અપૂરતા તથ્યો અને અચોક્કસ પુરાવા હોય તો સુપ્રીમ કોર્ટ પણ આવી આકરી સજા ન કરે. જોકે આરુષિ-હેમરાજની હત્યાના ૯ વર્ષ પછી પણ તેમની હત્યા કોણે કરી હતી એ કોયડો વણઉકલ્યો છે. તલવાર દંપતી કદાચ ગાઝિયાબાદની ડાસના જેલમાંથી મુક્ત થશે. તલવાર દંપતીને આજીવન કેદની સજા આપનાર સીબીઆઇ કોર્ટના તત્કાલીન જજ શ્યામલાલ પણ કોર્ટમાં ઉપસ્થિત હતા. તેમના ૨૬ નવેમ્બર, ૨૦૧૬ના ચુકાદાને તલવાર દંપતીએ હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. ૧૪ વર્ષની આરુષિની હત્યા ૧૫ - ૧૬ મે, ૨૦૦૮ની રાત્રે થઈ હતી. હત્યાના બીજા દિવસે નોકર હેમરાજનો મૃતદેહ ઘરના ધાબા પરથી મળ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter