અભિનેતા અનુપમ શ્યામ ઓઝાનું નિધન

Wednesday 11th August 2021 04:23 EDT
 
 

મુંબઇ: પીઢ અભિનેતા અનુપમ શ્યામ ઓઝાએ ૮ ઓગસ્ટે રાતના એક વાગ્યાની આસપાસના અંતિમ શ્વાસ લીધા હતા. ૬૩ વર્ષીય અભિનેતા કેટલાક સમયથી કિડનીની બીમારીની સારવાર લઇ રહ્યા હતા. છેલ્લા છ દિવસથી તેમની હાલત ગંભીર હતી અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. રવિવારે રાતના મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરથી તેમનું નિધન થયું હતું.
અનુપમના ભાઇ અનુરાગ શ્યામે જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે તો તેઓ શૂટિંગ કરી રહ્યા હતા, જ્યાં તેમણે પ્રમાણ કરતાં વધુ પાણી પી લીધું હતું. પરિણામે કિડની પર ખરાબ અસર થઇ હતી. અઠવાડિયામાં આમ પણ ત્રણ વખત ડાયાલિસિસ કરવામાં આવતું હતું. આ દરમિયાન તેમના માટે પ્રમાણ કરતાં વધુ પાણી પીવું એ હાનિકારક હતું. તેમના ફેફસામાં પાણી ભરાઇ ગયું હતું અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તેમની હાલત ગંભીર થઇ જતાં તેમને છ દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ૮મીએ રાતના ૧૧ વાગ્યે તેમના એક પછી એક અંગ કામ કરતા બંધ થવા લાગ્યા હતા અને રાતના એક વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, તેમને લોકપ્રિયતા પ્રતિજ્ઞામાં કામ કરીને મળી હતી. તેમણે ફિલ્મ વોન્ટેડ, મુન્ના માઇકલ, રક્તચરિત્ર અને સ્લમડોગ મિલિયોનેર ઉપરાંત ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમજ ટેલિવિઝનના ઘણા શોમાં તેમણે અભિનય કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter