શ્રીનગરઃ અમરનાથમાં વરસાદી દુર્ઘટનાઓ અને પૂર પછી લાપતા થયેલા લોકોને શોધવા હજુ બચાવ અભિયાન ચાલી રહ્યું છે. જોકે પાંચ દિવસ છતાં લાપતા લોકોનો કોઇ પતો લાગ્યો નથી. અત્યાર સુધીમાં સત્તાવાર મૃત્યુઆંક 17 નોંધાયો છે, પણ 41થી વધુ લોકો લાપતા છે. આમ કાટમાળ નીચે દટાઈ ગયેલા કે પ્રચંડ જળપ્રવાહમાં તણાઇ ગયેલા લોકો જીવિત હોવાની શક્યતા ઘણી ઓછી છે. સૈન્યના જવાનો અને બચાવકર્મીઓ દ્વારા જીવિત લોકોને બહાર કાઢવાના પ્રયાસને પ્રાથમિકતા અપાઈ રહી છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના એક અધિકારીએ કહ્યું કે, ‘અમારું બચાવ અભિયાન ચાલુ છે. અમે કોઈ પણ વ્યક્તિ જીવિત હોવાની આશામાં સતત કાટમાળ હટાવી રહ્યા છીએ. આ પ્રકારનું કામ મોટા ભાગે એવા વિસ્તારોમાં થઈ રહ્યું છે, જ્યાં સ્નિફર ડોગ છે. સેનાના એન્જિનિયરો પણ કાટમાળ હટાવવા અને પવિત્ર ગુફાનો માર્ગ સરળ રાખવા 24 કલાક કામ કરી રહ્યા છે.’
અમરનાથ ગુફાના રસ્તે ગયા શુક્રવારે સાંજે ભારે વરસાદ પછી આવેલા પૂર-કાટમાળની ચપેટમાં આવી જવાથી 16 શ્રદ્ધાળુના મોત થઈ ગયા હતા, જ્યારે 41 લોકો લાપતા પણ થઈ ગયા હતા. આ દરમિયાન 53 શ્રદ્ધાળુને ઈજા પણ થઈ હતી, જેમાંથી 35ને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.
રાહત અને બચાવકાર્યમાં વાયુસેનાના ચાર એમઆઈ-17વી5 અને ચાર ચિતલ હેલિકોપ્ટર પણ તહેનાત કરાયા છે. અત્યાર સુધી ચિતલ હેલિકોપ્ટરોએ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોરન્ટ ફોર્સ અને સૈન્યના પાંચ જવાનો, 3.5 ટન રાહત સામગ્રીને લઈને 45 ઉડાન ભરી છે, જ્યારે પવિત્ર ગુફામાંથી 45 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે


