અમરનાથ યાત્રાઃ ટાર્ગેટ કિલિંગનો ઓથાર, લોખંડી સુરક્ષાકવચ

Thursday 30th June 2022 07:18 EDT
 
 

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં એક પછી એક ટાર્ગેટ કિલિંગની આતંકી ઘટનાઓ બની છે તેની વચ્ચે ગુરુવાર - 30મી જૂનથી વિશ્વપ્રસિદ્ધ અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. આ વર્ષે યાત્રામાં અંદાજે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા અમરનાથના દર્શને ઉમટે તેવી શક્યતાઓ છે ત્યારે સરકારે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરી છે. આ માટે 50 હજારથી વધુ જવાનો તૈનાત કરાયા છે.
આ વર્ષે અમરનાથ યાત્રા માટે ભગવતી નગર આધાર શિબિરથી પવિત્ર ગૂફા માટે 28મી જૂને વહેલી સવારે પહેલો જથ્થો રવાના થયો હતો. યાત્રા માટે લખનપુરથી લઈને પવિત્ર ગુફા સુધી 50 હજારથી વધુ જવાનોને તૈનાત કરાયા છે. પહેલી વખત યાત્રાની બધી જ શિબિરો પર ડ્રોનથી નજર રખાશે. યાત્રા અગાઉ ભગવતી નગરના બેઝ કેમ્પને સીલ કરી દેવાયો છે. હવે તેમાં માત્ર સુરક્ષા પાસ ધરાવનારા લોકોને જ પ્રવેશ અપાશે.
આર્મીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ વર્ષે અમરનાથ યાત્રા પર આતંકીઓ દ્વારા હુમલો થઇ શકે છે તેવી વિશ્વસનીય માહિતી મળતા સુરક્ષા કર્મચારીઓની તૈનાતી ત્રણથી ચાર ગણી વધારી દેવાઈ છે. આ વર્ષે અમરનાથ યાત્રા પર જોખમ વધુ છે.
અધિકારીએ કહ્યું કે, આ પહેલાં 2019માં કેન્દ્રે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ-370 હટાવી દેવાનો નિર્ણય કર્યો ત્યારે અમરનાથ યાત્રાને અધવચ્ચે અટકાવી દેવી પડી હતી જ્યારે વર્ષ 2020 અને 2021માં કોરોના મહામારીના કારણે યાત્રા સ્થગિત હતી. આમ 2018 પછીથી અમરનાથ યાત્રા થઈ શકી ન હોવાથી આ વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે તેમ મનાય છે. એક અંદાજ પ્રમાણે આ વર્ષે 10 લાખ શ્રદ્ધાળુઓ બાબા અમરનાથના દર્શન કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter