અમરનાથ હુમલાના સૂત્રધાર અબુ ઈસ્લાઇમ સહિત બે આતંકીઓ ઠાર

Friday 15th September 2017 07:10 EDT
 
 

નવી દિલ્હીઃ કાશ્મીરમાં સેનાના જવાનોએ લશ્કરે તોઇબાના કમાન્ડર અબુ ઇસ્માઇલ સહિત બે આતંકવાદીને ઠાર માર્યા છે. અમરનાથ યાત્રીઓ પર ૧૦મી જુલાઈએ થયેલા હુમલાનો માસ્ટર માઇન્ડ અબુ ઇસ્માઇલ હતો. જોકે, બીજા આતંકીની ઓળખ અબુ કાસમ તરીકેની થઈ છે. કાસમ પણ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન તોઇબા વતી જ કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. સેનાએ ગુપ્ત માહિતીના આધારે અરિબાગ અને નૌગામ સેક્ટરના અંતરિયાળ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કર્યું હતું.

આ દરમિયાન જવાનોએ સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને બંનેને શરણે થઈ જવાનો પણ આદેશ કર્યો હતો, પરંતુ બંને આતંકીઓએ ફાયરિંગ કરીને જવાનોને પડકાર ફેંકતા તેઓ માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, તોઇબાએ કાશ્મીર ખીણમાં આતંક ફેલાવવા માટે અબુ ઇસ્માઇલની ઓપરેશન કમાન્ડર તરીકે નિમણૂક કરી હતી. સીઆરપીએફના ડિરેક્ટર જનરલ રાજીવ રાય ભટનાગરે જણાવ્યું હતું કે, આ ખૂબ જ મોટી સિદ્ધિ છે કારણ કે, આ એ જ આતંકવાદી છે જેણે સાત અમરનાથ યાત્રીઓને નિશાન બનાવ્યા હતા. અમરનાથ હુમલામાં સાત શ્રદ્ધાળુના મોત થયા હતા. અબુ ઇસ્માઇલ અનંતનાગ સહિત આસપાસના વિસ્તારોમાં સતત આતંકી પ્રવૃત્તિ કરતો હતો.

૨૨ વર્ષીય ઇસ્માઇલ પાકિસ્તાનના મીરપુરનો વતની હતો, પરંતુ ચાર વર્ષ પહેલાં ઘૂસણખોરી કરીને અનંતનાગ આવ્યો હતો. કાશ્મીર ખીણમાં બેંક લૂંટ સહિતની ચાર મોટી આતંકવાદી ઘટનામાં અબુ ઇસ્માઇલનું નામ સામે આવ્યું હતું. ત્યારથી પોલીસ અને સેનાના જવાનો તેને શોધી રહ્યા હતા. ગુપ્તચર તંત્રના અહેવાલો પ્રમાણે, કુલગામ, બડગામમાં એક-એક અને પુલવામામાં બે બેંક લૂંટમાં અબુ ઇસ્માઇલનો હાથ હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter