શ્રીનગરઃ પહેલગામ આતંકવાદી હુમલાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા છે. જ્યાં તેમણે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, ગુપ્તચર બ્યુરોના ડિરેક્ટર તપન ડેકા, જમ્મુ કાશ્મીર પોલીસ, સેના સહિતના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી આ મામલે નક્કર અને કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. વડાપ્રધાને ગૃહમંત્રીને પણ ઘટનાસ્થળની મુલાકાત લેવા જણાવ્યું હતું.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલાથી ભારે દુઃખ થયું છે. આતંકના ઘૃણાસ્પદ હુમલામાં સંકળાયેલા આતંકવાદીઓને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહિ.. અમે હુમલાના કાવતરાખોરો પર કઠોર પરિણામોના પગલાં સાથે ત્રાટકીશું.’