બેંગલુરુઃ કર્ણાટકમાં ભાજપ જ ભાજપને પછાડશે એવું લાગી રહ્યું છે. ખાસ કરીને ભાષાની સમસ્યના લીધે ગોટાળા ભાજપને મુશ્કેલીમાં મૂકી શકે. ૩૦મી માર્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના ભાષણમાં આવો જ ગોટાળો દુભાષિયાએ કર્યો. ભાજપ માટે હિન્દીમાંથી કન્નડ ભાષામાં ભાષાંતર કરવાવાળા નેતાઓ પક્ષ માટે નવી સમસ્યા બની ગયા છે. ભાજપના પ્રમુખ અમિત શાહની દવાનગીરીની જાહેરસભામાં દુભાષિયાએ ભાંગરો વાટ્યો અને કહી દીધું કે નરેન્દ્ર મોદી દેશને બરબાદ કરી નાંખશે. અમિત શાહે ભાષણમાં સિદ્ધરામૈયા સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, સિદ્ધરામૈયા સરકાર કર્ણાટકનો વિકાસ નથી કરી શકી. તમે મોદીજી પર વિશ્વાસ મૂકીને યેદ્દીયુરપ્પાને મત આપો. અમે કર્ણાટકને દેશનું નંબર વન રાજ્ય બનાવીને બતાવીશું.
અમિત શાહના આ જ નિવેદનનું કન્નડ ભાષાંતર ભાજપના સાંસદ પ્રહલાદ જોશી કરી રહ્યા હતા. તેમણે ભાંગરો વાટતા કહ્યું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગરીબ, દલિત અને પછાત વર્ગ માટે કંઈ જ નહીં કરે. તેઓ દેશને બરબાદ કરી નાંખશે. તમે તેમને મત આપો. ભાજપ માટે કર્ણાટકમાં કોંગ્રેસને પડકાર આપવામાં ભાષાની સમસ્યા પણ ઊભી થઈ છે. અગાઉ ફેબ્રુઆરીમાં વડા પ્રધાને બેંગલુરુમાં હિન્દીમાં ભાષણ આપ્યું હતું, જે મોટાભાગના લોકોને સમજાયું ન હતું.
અમિત શાહના ભાષણનું કન્નડમાં ટ્રાન્સલેશનનું કામ કેન્દ્રીય પ્રધાન અનંત હેગડે કરે છે, પણ કેટલાક સ્થળે પ્રહલાદ જોશી કરે છે. ચિત્રદુર્ગમાં અમિત શાહે શરૂઆતમાં કન્નડ ભાષામાં ટ્રાન્સલેટર મારફતે ભાષણ આપ્યું. પછી અડધું ભાષણ જાતે જ આપ્યું હતું. તેમણે હિન્દીમાં કન્ન્ડ લોકોને પૂછ્યું કે શું તમે યેદ્દીયુરપ્પાને મુખ્ય પ્રધાન બનાવવા માગો છો ? તેના જવાબમાં ઘણાં લોકોએ ના પાડી દીધી. કારણ કે તેમને સવાલ જ સમજાયો ન હતો.