નવી દિલ્હી, લંડનઃ પંજાબ નેશનલ બેન્ક સાથે અંદાજે ૧૧,૦૦૦ કરોડ રુપિયાથી વધુની છેતરપિંડી આચરનારા અને ગત વર્ષના માર્ચ મહિનાથી યુકેની વોન્ડ્ઝવર્થ જેલમાં રખાયેલા હીરાના વેપારી નિરવ મોદીની પત્ની અમી મોદી પણ આખરે સકંજામાં આવી છે. ઈન્ટરપોલ દ્વારા અમી મોદી વિરુદ્ધ મની લોન્ડરિંગના આરોપમાં રેડ કોર્નર નોટિસ જારી કરી છે. ગત વર્ષે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે પૂરક ચાર્જશીટમાં અમી મોદીનું નામ ઉમેર્યું હતું.
ન્યૂ યોર્કમાં નિરવ મોદીના ૩૦ મિલિયન ડોલરના બે એપાર્ટમેન્ટ હતા તેના લાબાર્થીઓમાં અમી મોદી પણ સામેલ હતી. એન્ફોર્મેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જપ્ત કરાયેલી ૬૩૭ કરોડ રુપિયાની વિદેશી સંપત્તિમાં આ એપાર્ટમેન્ટ અને લંડનસ્થિત ૫૬.૯૭ કરોડ રુપિયાના ફ્લેટનો પણ સમાવેશ થયો હતો. ભાગેડુ નિરવ મોદીની સંપત્તિ જપ્ત કરાઈ રહી છે તેમાં હોંગકોંગથી ભારત લવાયેલી ૧૩૫૦ કરોડ રુપિયાની જ્વેલરી અને ૩૨૯.૬૬ કરોડ રુપિયાની પ્રોપર્ટીનો પણ સમાવેશ થાય છે.