અમૃતપાલ ઓચિંતો કેમ ઝડપાયો? કાવતરાંની આશંકા

Wednesday 26th April 2023 05:52 EDT
 
 

અમૃતસર, ભટીંડા: ખાલિસ્તાની સમર્થક અને 36 દિવસથી ફરાર અમૃતપાલ સિંહને પંજાબ પોલીસે મોગા ખાતેથી આખરે ઝડપી લીધો છે. બાદમાં તેને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એરફોર્સના ખાસ વિમાનમાં આસામના દિબ્રૂગઢ લઈ જઇ ત્યાંની જેલમાં કેદ કરાયો છે. તેની સામે નેશનલ સિક્યુરિટી એક્ટ (એનએસએ) સહિતની અનેકવિધ કલમો હેઠળ ગુના નોંધાયા છે.
ભીંદરાનવાલેના ગામમાંથી ધરપકડ
36 દિવસ ફરાર રહ્યા બાદ, આખરે અમૃતપાલ સિંહને મોગા પોલીસે પકડી લીધો છે. કહેવાય છે કે મોગાના ગામ રોડેના ગુરુદ્વારામાંથી અમૃતપાલની ધરપકડ કરવામાં આવી છે. આ ગામ સાથે ખાલિસ્તાની આતંકવાદી ભીંદરાનવાલેનો સંબંધ રહ્યો છે. મોગા એ જિલ્લો છે. જ્યાંથી અમૃતપાલ પહેલી વાર ચર્ચામાં આવ્યો હતો. તે દરમિયાન તેણે દેશના ગૃહમંત્રી અમિત શાહને ખુલ્લી ધમકી આપી દીધી હતી. હવે એજ મોગામાંથી અમૃતપાલ પકડાયો છે.
અમૃતપાલ સિંહ છે કોણ?
અમૃતપાલ વારિસ પંજાબ દે સંગઠનનો પ્રમુખ છે. પાંચેક મહિના પહેલાં જ એણે આ સંગઠનની ધુરા સંભાળી હતી. અમૃતપાલ અમૃતસરના જંડુપુર ખેરા ગામનો રહેવાસી છે. 2012 પહેલા તેનો પરિવાર દુબઈ જતો રહ્યો હતો અને ત્યાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય શરૂ કર્યો હતો. 2013માં અમૃતપાલ દુબઈમાં પોતાનો પારિવારિક ટ્રાન્સપોર્ટનો ધંધા સંભાળવા લાગ્યો હતો. 2022માં તે એકલો દુબઈથી પંજાબ આવ્યો હતો. ઓક્ટોબરમાં તેણે જરનૈલસિંહ ભિંદરાનવાલેના ગામ રોડેમાં વારિસ પંજાબ દે સંગઠનના સરદાર તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો.
દિલ્હીમાં હિંસાના આરોપી દીપ સિદ્ધુએ આ સંગઠન બનાવ્યું હતું. વારિસ પંજાબ દેના પ્રમુખ બન્યા બાદ અમૃતપાલે પોતાને જરનલસિંહ ભિંદરાનવાલેનો અનુયાયી ગણાવીને શીખ યુવાઓને આગામી યુદ્ધ માટે તૈયાર રહેવાનું આહવાન કર્યું હતું. એ કારણે, જાસૂસી સંસ્થાઓ સાવધ થઈ ગઈ હતી અને તેના વિશે તપાસ શરૂ કરવામાં આવી હતી.
ખાલિસ્તાની વિચારધારાના પાઠ તેને દુબઈમાં જ ભણાવાયા હતા. ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં તેણે પહેલાં ગૃહમત્રી અમિત શાહને મારવાની ધમકી આપી. ત્યાર બાદ પોતાના એક સાથીને છોડાવવા માટે હજારો સમર્થકો સાથે પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં છ પોલીસકર્મી ઘાયલ થયા હતા.
અચાનક કઈ રીતે પકડાયો?
અમૃતપાલની ધરપકડને એની પત્ની કિરણદીપ સાથે સાંકળવામાં આવે છે. પંજાબના રિટાયર્ડ આઇપીએસ સુરેન્દ્રસિંહે કહ્યું કે જે રીતે અમૃતપાલ પકડાયો તે જોતાં લાગે છે કે એણે જાતે પોતાની ધરપકડ થવા દીધી છે. પોલીસે પોતાની મહેનતે એને નથી પકડ્યો. બલકે એણે પોતે પોતાની જાતને પોલીસને હવાલે કરી છે. એ વાતનો અંદાજ એ રીતે આવી શકે એમ છે કે, જે મોગા જિલ્લામાં પોલીસે ખુણેખુણો ફેંદો નાખ્યો હતો. ત્યાં અમૃતપાલ અચાનક કઈ રીતે પહોંચી ગયો.
પત્ની કિરણદીપ લંડન પાછી ફરશે?
સુરેન્દ્રે કહ્યું કે, સંભવ છે કે અમૃતપાલે કોઈ મોટો પ્લાન કર્યો હોય! પહેલા એની પત્ની કિરણદીપ કૌર ભારત છોડી લંડન ભાગી રહી હતી. પોલીસે એને એરપોર્ટ પરથી પકડી અને એની સાસરીમાં મોકલી દીધી. બે દિવસ પછી જ અમૃતપાલ પકડાઈ ગયો. આ જોતાં બની શકે કે કિરણદીપ અને પોતાના પરિવારના અન્ય સભ્યોને પોલીસથી બચાવવા માટે અમૃતપાલે પોતાની ધરપકડ કરાવી હોય! હવે. કિરણદીપ પર પોલીસનો ગાળિયો ઢીલો હશે. બની શકે કે આગામી દિવસોમાં તે લંડન પાછી જતી રહે અને ત્યાંથી અમૃતપાલની મદદ કરે.
ધરપકડ માટે મોગા ગામ શા માટે?
અમૃતપાલે મોગા જિલ્લાના રોડે ગામમાં આવેલા ગુરુદ્વારામાં પોતાને પોલીસને હવાલે કર્યો. આ ગામ આતંકવાદી ભિંદરાનવાલેનું છે. એ જોતાં એવો સવાલ પણ ઊભો થાય છે કે પોતાની ધરપકડ માટે અમૃતપાલે આખરે ભિંદરાનવાલેનું ગામ જ કેમ નક્કી કર્યું.
આ બાબતે પંજાબના વરિષ્ઠ પત્રકાર કુલદીપસિંહે કહ્યું કે ભિંદરાનવાલે આજે પણ એવા લોકો માટે હીરો છે, જેઓ અલગ ખાલિસ્તાનની માગ કરે છે. અમૃતપાલની તુલના પણ ભિંદરાનવાલેની સાથે થાય છે. એ જોતા બની શકે કે તે પોતાના સમર્થકોને કશો સંદેશો આપવા માગતો હોય લોકોને ઉશ્કેરવા માટે પણ તે આવું કરી શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter