અમે 22 રાજ્યમાં છીએ, બધે ભાજપ સરકાર નથીઃ અદાણી

Saturday 14th January 2023 08:24 EST
 
 

નવી દિલ્હીઃ દુનિયાના ત્રીજા ક્રમના સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ભાજપ સરકાર સાથેના સંબંધો અને તેમની વિરુદ્ધ થતી ટીકાનો જવાબ આપ્યો છે. આ અંગે તેમણે કહ્યું કે, અદાણી જૂથનો વિકાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંબંધના કારણે થયો છે એ વાત જ નિરાધાર છે કારણ કે, અમે વિપક્ષ શાસિત રાજ્યોમાં પણ કાર્યરત છીએ. અમારો હેતુ દરેક રાજ્યમાં મહત્તમ રોકાણનો છે. આજે અદાણી જૂથ 22 દેશના 22 રાજ્યમાં કાર્યરત છે, જે બધામાં ભાજપ સરકાર નથી. કેરળમાં ડાબેરી સરકાર છે, બંગાળમાં મમતા બેનરજી, ઓડિશામાં નવીન પટનાયક, આંધ્ર પ્રદેશમાં જગમોહન રેડ્ડી તેમજ તેલંગણમાં કેસીઆરની સ૨કા૨ છે, એ બધા સાથે અદાણી જૂથ કાર્યરત છે. આ કોઈ જ સરકાર સાથે અમારે તકલીફ નથી.
વડા પ્રધાન મોદી અંગે વાત કરતા તેમણે કહ્યું કે, હું તમને કહેવા ઇચ્છીશ કે મોદીજી સાથે તમે વ્યક્તિગત સલાહ નથી લઈ શકતા. તમે તેમની સાથે ફક્ત નીતિવિષયક વાત કરી શકો છો, દેશહિતમાં ચર્ચા કરી શકો છો, પરંતુ જે નીતિ બને છે, તે બધા માટે હોય છે. ફક્ત અદાણી જૂથ માટે નહીં.

‘રાજસ્થાનમાં પણ અમારું મૂડીરોકાણ છે’
અદાણી જૂથના વધતા વેપારની ટીકા અંગે 60 વર્ષીય ઉદ્યોગપતિ અદાણીએ કહ્યું કે, રાહુલ ગાંધી વારંવાર અમારી સામે ક્રોની કેપિટલિઝમનો આરોપ મૂકે છે, પરંતુ તે રાજકારણ છે. રાજસ્થાનનું ઉદાહરણ લો, ત્યાં કોંગ્રેસ સરકાર છે. ત્યાં અમે રૂ. 68 હજા૨ કરોડનું રોકાણ કર્યું છે. રોકાણ કરવું સામાન્ય બાબત છે. હું રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના આમંત્રણથી ત્યાં સંમેલનમાં પણ ગયો હતો. બાદમાં રાહુલ ગાંધીજીએ પણ રાજસ્થાનમાં અમારા મૂડીરોકાણને આવકાર્યું હતું. હું જાણું છું કે, તેમની નીતિઓ પણ વિકાસવિરોધી નથી.

રાજીવ શાસનમાં અમારી સફરની શરૂઆત
અદાણીએ વધુમાં કહ્યું હતું કે અદાણી જૂથની સફર ચાર દસકા પહેલા શરૂ થઇ હતી અને એ વખતે કોંગ્રેસની સરકાર હતી. મને પહેલો બ્રેક 1985માં મળ્યો હતો, ત્યારે રાજીવ ગાંધી વડા પ્રધાન હતા અને નવી આયાત-નિકાસ નીતિ આવી હતી, જેથી અમારી કંપની ગ્લોબલ ટ્રેડિંગ હાઉસ બની હતી. બીજો બ્રેક 1991માં મળ્યો. ત્યારે પી.વી. નરસિમ્હા રાવ અને ડો. મનમોહન સિંહની સરકારમાં અમે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કરી શક્યા. તેનાથી દેશમાં ઇન્ફ્રા ક્ષેત્રને નવી દિશા મળી હતી. ત્રીજો બ્રેક ગુજરાતમાં નરેન્દ્ર મોદીના 22 વર્ષના મુખ્યમંત્રી કાળમાં મળ્યો. ગુજરાત રોકાણ ફ્રેન્ડલી છે, અદાણી ફ્રેન્ડલી નહીં.
નોંધનીય છે કે, અદાણી જૂથની કુલ સંપત્તિ 200 બિલિયન ડોલરની છે. દુનિયાભરના કોઈ પણ ઉદ્યોગપતિની તુલનામાં ગૌતમ અદાણીની સંપત્તિ અનેકગણી ઝડપથી વધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter