અમેરિકા અને ચીનના જંગ વચ્ચે ભારતની મજબૂત સ્પર્ધા

Wednesday 24th July 2019 05:49 EDT
 
 

ભારતે ચંદ્રની સપાટી ઉપર યાન ઉતારવાના અભિયાનને સાર્થક કરી દેતાં જ વિશ્વમાં ફરી એક વખત અવકાશી કોલ્ડવેરનો માહોલ સર્જાયો છે. અમેરિકા, ચીન, રશિયા જેવા દેશો જ્યાં પોતાની ક્ષમતાનું જોરશોરથી પ્રદર્શન કરતા હતા ત્યાં ભારતે આ દિશામાં પોતાના ડગ મજબૂતીથી માંડી દીધા છે. એટલું જ નહીં, ભારતે ચંદ્રની એવી સપાટી ઉપર પોતાનો ત્રિરંગો લહેરાવવાની તૈયારી કરી લીધી છે  જ્યાં દુનિયાનો કોઈ દેશ પહોંચી શક્યો નથી. જાણકારોના મતે દુનિયાના મોટા દેશોમાં વધી રહેલી આ સ્પેસ રેસ આગામી ૨૦૦ વર્ષ સુધી ચાલે તેમ છે. સ્પેસમાં શરૂ થયેલી કોલ્ડ વોર આ વખતે એટલા માટે મહત્ત્વની છે કે આ રેસમાં જોડાયેલા ખેલાડીઓ વધારે શક્તિશાળી અને અત્યાધુનિક ટેકનોલોજીથી સજજ છે. ૨૧મી સદીની આ સ્પેસ રેસમાં અમેરિકા અને રશિયા જેવા દિગ્ગજો છે તો તેમની સામે પડકાર ઊભો કરનારા ચીન અને ભારત જેવા દેશો પણ છે. તેના કારણે આ રેસ વધારે રોચક બની છે.

વડા પ્રધાને લોન્ચિંગ લાઈવ નિહાળ્યું

ચંદ્ર ઉપર પહોંચવાના ભારતના પ્રથમ તબક્કાની સફળતાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધાવી હતી. ચંદ્રયાન-૨નું સોમવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ થયું. ચંદ્રયાન-૨ને સૌથી
શક્તિશાળી રોકેટ જીએસએલવી-માર્ક૩ - એમ૧ લઇને રવાના થયું હતું. જે સમયે ચંદ્રયાન-૨નું પ્રક્ષેપણ થયું ત્યારે મોદી કયાં હતા અને શું કરી રહ્યા હતા આ અંગે પણ લોકોને ખૂબ જાણવાની ઉત્સુકતા હતી.
આપને જણાવી દઇએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ઓફિસમાંથી જ ટીવી પર ચંદ્રયાન-૨ના લોન્ચનું લાઇવ કવરેજ નિહાળ્યું હતું. વડા પ્રધાને એક ઓડિયો સંદેશ રજૂ કરીને ઇસરો પ્રમુખ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે એ વાતની ખુશી છે કે ચંદ્રયાન-૨નું લોન્ચિંગ ટેક્નિકલ કારણોસર ટાળવા છતાંય ચંદ્રમા પર તેના લેન્ડિંગની તારીખમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. વડા પ્રધાને ટ્વીટ કરતાં લખ્યું કે ભારત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. ચંદ્રયાન-૨ના સફળ લોન્ચિંગથી આજે આખો દેશ ગૌરવન્તિ છે.
ચંદ્રયાન-૨ના લોન્ચિંગ પર વડા પ્રધાન મોદીએ બીજી ટ્વીટમાં લખ્યું હતુંઃ ચંદ્રયાન-૨ અદ્વિતીય છે કારણ કે આ ચાંદના દક્ષિણ ધ્રુવનો અભ્યાસ કરશે. આ મિશન ચંદ્રમા અંગે નવું જ્ઞાન આપશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે શ્રીહરિકોટાથી ચંદ્રયાન-૨નું ઐતિહાસિક પ્રક્ષેપણ પર દરેક ભારતીય માટે એક ગર્વની ક્ષણ છે. ભારતના સ્વદેશી અંતરિક્ષ કાર્યક્રમને આગળ વધારવા માટે ઇસરોના તમામ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન. મારી શુભકામના છે કે ટેકનોલોજીના નવા-નવા ક્ષેત્રોમાં ‘ઇસરો’ નીત નવી ઊંચાઇઓ સુધી પહોંચે.

વૈશ્વિક મીડિયાના પ્રશંસાના ફૂલ

ભારતના ચંદ્રયાન-૨ અભિયાનના પ્રારંભિક તબક્કાની સફળતાને વૈશ્વિક મીડિયાએ વખાણી અને વધાવી હતી. સીએનએનએ જણાવ્યું હતું કે, ભારતના ચંદ્રયાન-૨ ઉપર સમગ્ર દુનિયાની નજર હતી. ભારતે સફળતા સાથે તેને લોન્ચ કરીને અમેરિકા, ચીન અને રશિયા બાદ ચોથું સ્થાન મેળવી લીધું છે. બીજી તરફ રોઈટરે જણાવ્યું કે, ભારતે ઓછા ખર્ચે અવકાશી અભિયાન પાર પાડવાની પોતાની ક્ષમતાને સાબિત કરી દીધી છે. તે ઉપરાંત ન્યૂયોર્ક ટાઇમ્સે જણાવ્યું કે, ૧૪૨ ફૂટના રોકેટ ચંદ્રયાન-૨ને લઈને ઉડાન ભરી હતી. તેણે પરફેક્ટ ટેકઓફ કર્યું. સીધી રેખામાં આગળ વધ્યું અને લોકોના આશ્ચર્ય વચ્ચે અત્યંત ઝડપથી ધુમાડાના વાદળ વચ્ચે ક્યાંય અલોપ થઈ ગયું. અને હવે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ઉતરાણ કરશે.
ચંદ્રયાન-૨ને ઇસરોના સૌથી મુશ્કેલ અભિયાનમાંનું એક ગણાવતા બીબીસીએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-૨નું લોન્ચિંગ સફળ થતાં જ ઇસરોના કન્ટ્રોલ રૂમમાં તાળીઓને ગડગડાટ સંભળાયો હતો. અને આનંદની લહેર દોડી ગઈ હતી. ગાર્ડિયને આ અભિયાનમાં જોડાયેલી મહિલા વૈજ્ઞાનિકોના ભરપેટ વખાણ કર્યા હતા. તેણે જણાવ્યું કે, ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ એન્જિનિયર અને પ્રોજેક્ટ ડાયરેક્ટર મુથય્યા વનિતા તથા આ પ્રોજેક્ટને યોગ્ય નેવિગેશન પૂરું પાડનાર રિતુ કરિધાલને ખૂબ જ શુભેચ્છા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter