વોશિંગ્ટનઃ માત્ર પંદર વર્ષના એક ભારતીય અમેરિકન બાળકે તેની શૈક્ષણિક કારકિર્દીમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. બાયોમેડિકલ વિષયમાં એન્જિનિયર બન્યા પછી હવે તે ડોકટરેટનો અભ્યાસ શરૂ કરશે. યુનિ. ઓફ કેલિફોર્નિયા, ડેવિસમાંથી બાયોમેડિકલ એન્જિનિયર બનેલો તનિષ્ક અબ્રાહમ હવે ટૂંક સમયમાં પીએચડી કરશે.
તનિષ્ક કહે છે કે, હા, મને ખૂબ જ આનંદ થાય છે. હું મારી સિદ્ધિઓને લઇને ખૂબ જ ગૌરવ અનુભવું છું. કેરળના અને વર્ષોથી વિદેશમાં વસતા તનિષ્કના માતા તાજી અને પિતા બિજોય અબ્રાહમે કહ્યું હતું કે, અમારા દીકરાને ભણવાનો અનહદ શોખ અને ઝનૂન છે અને તેને અમે જાળવી રાખીએ છીએ.
અમે તેને ખૂબ સારી રીતે પ્રોત્સાહિત પણ કરીએ છીએ. તનિષ્કે એક સાધન પણ તૈયાર કર્યું છે જે દાઝી ગયેલા દર્દીને સ્પર્શ કર્યા વગર તેના હૃદયના ધબકારા માપી શકે છે. ભવિષ્ય માટે તે ફરીથી પોતાની યુનિ.ની લેબમાં અને અંતે મેડિકલ સ્કૂલમાં પહોંચી ગયો હતો. તનિષ્ક પાસે સમસ્યાઓના ઉકેલના મોટા સપનાં છે. તનિષ્ક કહે છે કે, ચોક્કસ મને પણ કેન્સરની સારવાર માટે નવી પદ્ધતિ શોધવી ગમશે જે અંગે દરેક જણ વાત કરે છે. કેન્સરની વધુ અકસીર દવા અને સારવારની શોધ કરીશ. તનિષ્કને યુનિ. ઓફ કોલિફોર્નિયા, ડેવિસમાં ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે પસંદ કરી લેવામાં આવ્યો હતો જ્યાં તે આગામી ચાર કે પાંચ વર્ષમાં એમડી કરી શકશે.