અમ્ફાને કેર વર્તાવ્યોઃ સુપર સાઇક્લોને પશ્ચિમ બંગાળ - ઓડિશાને ધમરોળ્યાં

Wednesday 27th May 2020 06:18 EDT
 
 

કોલકતા, ભુવનેશ્વરઃ પશ્ચિમ બંગાળ, ઓડિશા અને પડોશી દેશ બાંગ્લાદેશ ઉપર ત્રાટકેલા સુપર સાઇકલોન અમ્ફાને ચારે તરફ કેર વર્તાવ્યો હતો. વાવાઝોડાએ સૌથી વધારે બંગાળને ધમરોળ્યું હતું. આ કુદરતી આફતે ૮૫ માનવજિંદગીનો ભોગ લીધો છે તો કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે. આ કુદરતી આફતમાં માત્ર બંગાળમાં જ ૫૫૦૦થી વધુ મકાનો ધ્વસ્ત થઈ જતાં હજારો લોકો બેઘર થઇ ગયા છે. વડા પ્રધાને અસરગ્રસ્ત રાજ્યોનું હવાઇ નિરીક્ષણ કર્યા બાદ બન્ને રાજ્યો માટે કુલ રૂ. ૧૫૦૦ કરોડની કેન્દ્રીય સહાય જાહેર કરી હતી.

હજારો બેઘર, ઉગ્ર વિરોધ પ્રદર્શન

અમ્ફાન વાવાઝોડાએ સમગ્ર પશ્ચિમ બંગાળને ઘમરોળ્યું હતું, તો પડોશી રાજ્ય ઓડિશામાં પણ તેની વ્યાપક અસર જોવા મળી હતી. આ પરિસ્થિતિ વચ્ચે વાવાઝોડાને કારણે મૃત્યુ પામેલાની સંખ્યા હવે વધીને ૮૫ પર પહોંચી છે. બીજી તરફ, લોકોને વીજળી અને પાણી પુરવઠામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યા હતા. હજારો લોકો વાવાઝોડાને કારણે ઘરવિહોણા થઇ ગયા હતા.
૨૦ મે સાંજથી શરૂ થયેલા સુપર સાઇક્લોને બીજા દિવસની વહેલી સવાર સુધી બંગાળ અને ઓડિશાને ધમરોળ્યા હતા. બંગાળમાં હજારો વૃક્ષો અને વીજળીના થાંભલા પડી જવાના કારણે અનેક રસ્તા બંધ થઈ ગયા હતા તો લાખો લોકો અંધારપટમાં અટવાઈ ગયા હતા. ખાસ તો કોલકતામાં વાવાઝોડાને કારણે ખૂબ જ નુકસાન થયું છે. વાવાઝોડા સાથે આવેલા તોફાની વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ ગયા હતા. શહેરમાં કેટલીય જગ્યાઓએ વિશાળ વૃક્ષો ધરાશાયી થતાં રસ્તા બંધ થઈ ગયા હતા. શહેરી વિસ્તારોમાં વીજળીના ટ્રાન્સફોર્મર્સ પણ ધડાકા સાથે તૂટી પડયા હતા. પરિણામે બીજા દિવસે પણ વીજ પુરવઠો ખોરવાયેલો રહ્યો હતો.

૧૬ લાખનું સ્થળાંતર

બંગાળ અને ઓડિશામાં કુલ ૧૬ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઓડિશાના તમામ જિલ્લામાં અતિ ભારે વરસાદ અને ૧૦૭ કિમી પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાયેલા વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો હતો. અસંખ્ય વૃક્ષ, વીજળીના થાંભલા અને કાચાં મકાનો ધરાશાયી થયાં હતાં. અહીંયા એનડીઆરએફની ૨૦ ટીમ ઓડિશા અને ૧૯ ટીમ પશ્ચિમ બંગાળમાં તહેનાત કરાઇ હતી.
બાંગ્લાદેશમાં પણ વાવાઝોડા અમ્ફાને કેર વર્તાવ્યો હતો. અહીંયા પણ કિનારાના ગામો અને વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું છે. તે ઉપરાંત ૧૨ લોકોનાં મોત થયા છે.

બંગાળ અને ઓડિશાને કેન્દ્રીય સહાય

સુપર સાઇક્લોન અમ્ફાને વેરેલા વિનાશની જાત સમીક્ષા કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે - ૨૨ મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઓડિશાની મુલાકાતે પહોંચ્યા હતા. અસરગ્રસ્ત વિસ્તારોના હવાઇ નિરીક્ષણ બાદ તેમણે બંગાળ માટે રૂ. ૧૦૦૦ કરોડની અને ઓડિશા માટે ૫૦૦ કરોડની કેન્દ્રીય સહાય જાહેર કરી હતી. આ ઉપરાંત વડા પ્રધાન મોદીએ સુપર સાઇક્લોનમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને રૂપિયા બે લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા ૫૦,૦૦૦ની સહાય આપવાની જાહેરાત કરી હતી.

રાજા રામમોહન રાયનું સ્વપ્ન સાકાર કરીએ

પશ્ચિમ બંગાળમાં તેમણે મમતા બેનરજી સાથે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં સમીક્ષા બેઠક પણ યોજી હતી. બેઠક બાદ વડા પ્રધાને જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળને રૂપિયા ૧,૦૦૦ કરોડની આગોતરી સહાય કરાશે. કોવિડ-૧૯ની સામે લડવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગની જરૂર છે તો સાથે સાથે લોકોને સાઇક્લોનના કારણે સુરક્ષિત સ્થળોએ પણ પહોંચાડવાના હતા. આ બંને મોરચા પર મમતા બેનરજીના નેતૃત્વમાં પશ્ચિમ બંગાળની સરકારે સારી લડત આપી છે.
વડા પ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી તે દિવસે રાજા રામમોહન રાયની જન્મજયંતી હતી. તેમણે આ વાતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, રાજા રામમોહન રાય પર સમગ્ર દેશને ગર્વ છે.
તેમણે કહ્યું હતું કે આપણે સહુ સાથે મળીને ઉજ્જવળ ભવિષ્ય, ભાવિ પેઢીના નિર્માણ અને સમાજમાં સુધારા માટેના રાજા રામમોહન રાયના સમાજ પરિવર્તનના સ્વપ્નને સાકાર કરીએ. સંકટની આ ઘડીમાં કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળની સાથે છે. રાજ્ય તેના પગ પર ઊભું થઇ શકે તે માટે અમે સાથે મળીને કામ કરીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter