નવી દિલ્હીઃ સાત દાયકા જૂના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસની ૪૦ દિવસ સુધી સુપ્રીમ કોર્ટમાં ચાલેલી સુનાવણીનો ૧૬મી ઓક્ટોબરે અંત આવી ગયો હતો. બીજા દિવસે ૧૭મી ઓક્ટોબરે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિ અશોક ભૂષણ, અને જસ્ટિસ એસ. અબ્દુલ નઝીરે મધ્યસ્થી સમતિના સેટલમેન્ટ રિપોર્ટ મુદ્દે પણ બંધ રૂમમાં ચર્ચા કરી હતી. બંધારણ બેંચે તમામ પક્ષકારોને ‘મોલ્ડિંગ ઓફ રિલીફ’ પર લેખિત નોટ આપવા જણાવ્યું હતું. ચીફ જસ્ટિસ ગોગોઈએ મુસ્લિમ પક્ષકારોને ૩ દિવસની મુદતમાં લેખિત નોટ રેકોર્ડ પર લાવવા જણાવ્યું હતું. મુસ્લિમ પક્ષકારોના એક વકીલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની બેંચ સમક્ષ માગ કરી કે, અમને રાહતમાં બદલાવ વિશે લેખિત નોટ રેકોર્ડ પર લાવવાની મંજૂરી અપાય. લેખિત નોટ સીલબંધ કવરમાં દાખલ કરવા પર અન્ય પક્ષકારો અને કોર્ટ રજિસ્ટ્રીએ વાંધો પણ ઉઠાવ્યો હતો. દરમિયાન સોમવારે ઉત્તર પ્રદેશ શિયા વકફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ હાકલ કરી હતી કે અયોધ્યા ઉપરાંત કાશી મથુરા જેવાં સ્થળ પણ હિન્દુઓને પાછાં આપી દો. આપણા પૂર્વજોએ કરેલી ભૂલ સુધારી લેવાની તક ઝડપી લેવા જેવી છે. અયોધ્યાની વિવાદાસ્પદ જમીન પર નમાજ પઢવાની સુન્ની મુસ્લિમોએ કરેલી માગણી બાદ શિયા સમાજના વડા તરફથી આ હાકલ આવી પડી હતી.
બેંચની બંધબારણે ચર્ચા
સુપ્રીમના જજની ૧૭મી ઓક્ટોબરે બંધબારણે ચર્ચા થઈ હતી. બેંચે મધ્યસ્થી સમિતિમાં સામેલ શ્રીરામ પંચને સંકેત આપ્યો હતો કે, જરૂર પડશે તો જજ તેમને પણ ચર્ચા માટે બોલાવશે, પરંતુ ૧૭મીએ તેમને બોલાવાયા નહોતા. આ દરમિયાન અયોધ્યા કેસના પક્ષકારોમાંથી અખિલ ભારતીય હિંદુ મહાસભાએ સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિનો નકશો ફાડનારા મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન વિરુદ્ધ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ફરિયાદ કરી હતી. બીજી તરફ મુસ્લિમ પક્ષકારે કહ્યું હતું કે ચુકાદો તરફેણમાં આવે તો પણ વિવાદિત સ્થળે ફરીથી મસ્જિદ બંધાય નહીં.
ચુકાદો અનામત રહ્યો
ચિફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટના પાંચ જજની બંધારણીય બેંચે રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ ગણાતા કેસનો ચુકાદો અનામત રાખી લીધો હતો. બંધારણીય બેંચે સંબંધિત તમામ ૧૨ પક્ષકારોને ‘મોલ્ડિંગ ઓફ રિલીફ’ પર લેખિત નોંધ માટે ૩ દિવસનો વધારાનો સમય આપ્યો હતો. પાંચ જજની બંધારણીય બેંચે સતત ૪૦ દિવસ સુધી આ કેસમાં સુનાવણી હાથ ધરી દલીલોની સમાપ્તિ કરી છે. સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં સૌથી લાંબી સુનાવણી ધરાવતો આ બીજા નંબરનો કેસ છે. ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦ના રોજ અલાહાબાદ હાઇ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદામાં અયોધ્યામાં ૨.૭૭ એકરની વિવાદાસ્પદ જમીનને ૩ હિસ્સામાં વહેંચી આપવાનો આદેશ અપાયો હતો. આ આદેશને ૧૨ પક્ષકારો દ્વારા ૧૪ પીટિશનમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ પડકાર અપાયો હતો.
સુપ્રીમ કોર્ટ દ્વારા ૧૭મી નવેમ્બર સુધીમાં આ સંવેદનશીલ કેસનો ચુકાદો આપવામાં આવે તેવી સંભાવના છે. હિંદુ મહાસભાના વકીલ વરુણ સિંહાએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે કેસનો ચુકાદો અનામત રાખતાં જણાવ્યું હતું કે, ૨૩ દિવસમાં ચુકાદો આવી શકે છે. તેનો અર્થ એ છે ૪થી ૧૭ નવેમ્બર સુધીમાં ચુકાદો આવી શકે છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ ૧૭મી નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે તેથી તે પહેલાં આ કેસનો ચુકાદો આપવો જરૂરી હતો. જો તેમ ન થાય તો નવેસરથી બેન્ચની રચના કરી સુનાવણી હાથ ધરવાની નોબત આવે તેથી સુપ્રીમ કોર્ટે નિર્ધારિત સમયમર્યાદામાં દલીલોની સુનાવણી આટોપી લીધી હતી.
સુપ્રીમમાં અયોધ્યા વિવાદની સુનાવણી પૂરી થયા પછી અયોધ્યામાં પ્રવાસીઓની સંખ્યા સતત વધતી દેખાઈ હતી. હાઈવેથી લઈને શહેરના અંદરના રસ્તે સુરક્ષા વધારાઈ હતી. વિવાદિત પરિસરમાં સુરક્ષા દળોની વધારાની ટુકડીઓ તૈનાત કરાઈ છે. નેવુના દસકામાં ચરમસીમાએ પહોંચેલા મંદિર આંદોલન વખતે જૂલુસ રોકવા બનાવેલી તમામ સુરક્ષા ચોકીઓ ફરી સક્રિય થઈ છે. કેટલાક મુસ્લિમ પક્ષકારો કહે છે કે, જો સુપ્રીમ કોર્ટ અમારી તરફેણમાં ચુકાદો આપે તો પણ મસ્જિદ બનાવવાની તૈયારી નથી.
વકફ બોર્ડે દાવો જતો કર્યાના અહેવાલોથી ખળભળાટ
પેનલે સીલબંધ કવરમાં રિપોર્ટ સુપ્રીમને રજૂ કર્યો હતો. આ ગુપ્ત રિપોર્ટ સુપ્રીમમાં રજૂ થયા પછી એવા અહેવાલો હતા કે, અયોધ્યા વિવાદમાં મુખ્ય મુસ્લિમ પક્ષકાર ગણાતા સેન્ટ્રલ સુન્ની વકફ બોર્ડે ૧૩૪ વર્ષ જૂના મંદિર-મસ્જિદ વિવાદના કેસમાંથી પોતાનો દાવો પડતો મૂકવાનો નિર્ણય કર્યો છે. ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું કે, વકફ બોર્ડે અયોધ્યામાં વિવાદિત ૨.૭૭ એકર જમીન પરનો દાવો જતો કરતી એક એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી છે. અહેવાલો પ્રમાણે સુન્ની વક્ફ બોર્ડે સપ્ટેમ્બરમાં ફરી એકવાર મધ્યસ્થતા પેનલને મધ્યસ્થતા માટે અપીલ કરી હતી. જોકે અંતે સુન્ની વક્ફ બોર્ડે જણાવ્યું કે બોર્ડે જમીન છોડવાની વાત કરી જ નથી. આ એક અફવા છે. કેન્દ્રીય સુન્ની વક્ફ બોર્ડે અયોધ્યાની વિવાદાસ્પદ ૨.૭૭ એકર જમીન પરનો દાવો છોડવા સુપ્રીમમાં એફિડેવિટ દાખલ કરી હોવાના અહેવાલોનું ખંડન કર્યું હતું. વક્ફ બોર્ડ અને અન્ય એક પક્ષકાર ઇકબાલ અન્સારીના વકીલ એમ આર શમશાદે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, સુન્ની વક્ફ બોર્ડે જમીન પરનો દાવો છોડવાની ક્યારેય વાત કરી નથી. આ એક અફવા છે. હું છેલ્લા ઘણા સમયથી હાશિમ અન્સારી, ઇકબાલ અન્સારી વતી દલીલો કરી રહ્યો છું. વક્ફ બોર્ડ અંગે મધ્ય્થતાની જે વાતો ફેલાવવામાં આવી રહી છે તે અંગે હું સ્પષ્ટતા કરવા માગું છું કે આ પ્રકારની કોઈ અપીલ કરાઈ નથી.
પૂર્વજોએ કરેલી ભૂલો સુધારો
ઉત્તર પ્રદેશ શિયા વકફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ સોમવારે હાકલ કરી હતી કે, અયોધ્યા ઉપરાંત કાશી, મથુરા જેવાં સ્થળો પણ હિન્દુઓને પાછા આપી દો. આપણા પૂર્વજોએ કરેલી ભૂલ સુધારી લેવાની તક ઝડપી લેવા જેવી છે. અયોધ્યાની વિવાદાસ્પદ જમીન પર નમાજ પઢવાની સુન્ની મુસ્લિમોએ કરેલી માગ બાદ શિયા સમાજના વડા તરફથી આ હાકલ આવી છે. તેમણે કહ્યું, મોગલ શાસને છીનવી લીધેલી જમીન અને ધર્મસ્થાનો હિન્દુઓને પાછાં આપી દેવાનો સમય પાકી ગયો છે.
મસ્જિદોની જમીન હિન્દુઓને પાછી આપી દેવી જોઇએ
મંદિરોનાં સ્થાને ઊભી કરાયેલી મસ્જિદોની જમીન હિન્દુઓને પાછી આપી દેવી જોઇએ. દેશમાં શાંતિ અને ભાઇચારો સ્થપાય એ માટે આપણા પૂર્વજોએ કરેલી ભૂલ આપણે સુધારી લેવી જોઇએ. સોમવારે એક પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં વસીમ રિઝવીએ કહ્યું કે, સુન્ની મુસ્લિમ સમાજે વિવાદાસ્પદ સ્થળે નમાજ પઢવાની માગેલી પરવાનગીના પગલે અમને આ હાકલ કરવાની ફરજ પડી હતી.
એ સ્થળો હિન્દુઓને પાછાં આપી દેવાં જોઇએ
તેમણે ઉમેર્યું કે અયોઘ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી જાય ત્યાર બાદ બીજાં ધર્મસ્થાનોના વિવાદો ઊભા ન થાય એટલા ખાતર પણ મુસ્લિમોએ સમજી વિચારીને જ્યાં જ્યાં મંદિરો તોડીને મસ્જિદો બનાવાઇ છે એ સ્થળો હિન્દુઓને પાછાં આપી દેવાં જોઇએ. રિઝવીએ કહ્યું કે માત્ર રામ જન્મભૂમિ વિવાદનો અંત આવી જાય એટલે વાત પૂરી નહીં થઇ જાય. અન્ય ધર્મસ્થાનોનો વિવાદ ઊભો થવાની શક્યતા છે. એને બદલે સામેથી આવાં સ્થળો પાછાં સોંપી દેવામાં આવે તો દેશમાં ભાઇચારો જળવાઇ રહેશે અને શાંતિ તેમજ કાયદાનું પાલન થતું રહેશે.
મુસ્લિમ પક્ષે મોલ્ડિંગ ઓફ રિલીફ પર નવું સોગંદનામું દાખલ કર્યું
અયોધ્યા વિવાદ સાથે જોડાયેલા મુસ્લિમ પક્ષકારોએ સોમવારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, આ ચુકાદો ભાવિ પેઢી પર અસર કરશે. તે દેશની રાજ્ય વ્યવસ્થાને નવું રૂપ આપશે. ઉત્તર પ્રદેશ સુન્ની વક્ફ બોર્ડ સહિત મુસ્લિમ પક્ષકારોએ સોમવારે ‘મોલ્ડિંગ ઓફ રિલીફ’ પર લેખિત દલીલો કોર્ટમાં દાખલ કરી. પહેલા સીલબંધ કવરમાં દલીલો દાખલ કરી ચૂકેલા મુસ્લિમ પક્ષને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા ધરાવતી ત્રણ જજની બેંચે લેખિત નોટ દાખલ કરવાની મંજૂરી આપી દીધી હતી.
ચુકાદાની દૂરગામી અસર
એડવોકેટ રાજીવ ધવન દ્વારા તૈયાર કરાયેલી નોટમાં કહેવાયું કે, કોર્ટનો ચુકાદો કંઈ પણ હોય, તે ભાવિ પેઢી અને રાજ્ય વ્યવસ્થા પર અસર કરશે. દેશના એ કરોડો નાગરિકો અને ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ભારતને લોકતાંત્રિક રાષ્ટ્ર જાહેર કર્યા પછી બંધારણીય મૂલ્યો અપનાવવા અને તેમાં વિશ્વાસ રાખનારાના મગજ પર અસર કરી શકે છે. કોર્ટ ઐતિહાસિક ચુકાદામાં તેના પરિણામો પર વિચાર કરીને રાહતમાં એવો ફેરફાર કરે, જેમાં આપણા બંધારણીય મૂલ્યોની છાપ દેખાય. આશા છે કે, આ મુદ્દાનો ઉકેલ શોધતી વખતે જુદા જુદા મૂલ્યો અને સંસ્કૃતિઓ બરકરાર રહેશે.
ચીફ જસ્ટિસ ચુકાદો લખવામાં વ્યસ્ત
અયોધ્યા વિવાદની સુનાવણી પૂરી થયા પછી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ ચુકાદો લખવામાં વ્યસ્ત થયા હતા. ચીફ જસ્ટિસે સોમવારે સવારે બે કેસમાં સુનાવણી વખતે ઈશારામાં જણાવ્યું કે, તેઓ ચુકાદો લખવામાં વ્યસ્ત છે. મુંબઈ કોસ્ટલ રોડના મામલામાં ઝડપથી સુનાવણીની માગ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચિફ જસ્ટિસ બેંચને કહ્યું કે, પહેલા તમે વ્યસ્ત હતા. આ મુદ્દે ચીફ જસ્ટિસે કહ્યું કે, અમે હજુ પણ વ્યસ્ત છીએ. ત્યાર પછી કોર્ટ કાર્યવાહીના વીડિયો રેકોર્ડિંગ મુદ્દે એક વકીલે કહ્યું કે, સૂરજની રોશની રોગ દૂર કરે છે. આ મુદ્દે ચિફ જસ્ટિસ ગોગોઈએ કહ્યું કે, રોશની હોય કે નહીં, અમે કામ કરીએ છીએ. કાલે રવિવાર હતો. હું રાતે ૯.૩૦ વાગ્યા સુધી મારા ટેબલ પર હતો.
જે મને જાણમાં છે, તે અખબારમાં પણ છે!
મુસ્લિમ પક્ષના વકીલે ચિફ જસ્ટિસ ગોગોઈને કહ્યું કે, અમે ‘મોલ્ડિંગ ઓફ રિલીફ’નું સોગંદનામું સીલબંધ કવરમાં સોંપ્યું હતું. હવે તમામ પક્ષને તેની નકલ સોંપી દેવાઈ છે. આ મુદ્દે વ્યંગ કરતા ચીફ જસ્ટિસે કહ્યું કે, જે મને જાણમાં છે, જે મારા ટેબલ પર જે બંધ કવરમાં છે તે અખબારોમાં પણ છપાયું છે. એટલે તેને ત્યાં જ રહેવા દો. હિંદુ પક્ષના અન્ય એક વકીલ વિષ્ણુ શંકર જૈને પણ કહ્યું કે, મધ્યસ્થી સમિતિના અહેવાલથી ચુકાદા પર કોઈ અસર નહીં પડે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પોતાની મધ્યસ્થતામાં રસ દાખવ્યો છે. ૧૭મી નવેમ્બરે ચીફ જસ્ટિસ ગોગોઈ નિવૃત્ત થઈ રહ્યા છે. ૧૬ નવેમ્બરે શનિવાર છે અને ૧૭મી રવિવાર છે. એટલે ૧૫ નવેમ્બર સુધી ચુકાદો આવી જવાની શક્યતા છે.
સુન્ની વક્ફ બોર્ડના વલણથી અયોધ્યા કેસમાં વધુ એક વિવાદ
સુન્ની વક્ફ બોર્ડના વલણથી અયોધ્યા કેસ એક નવા વળાંક પર પહોંચી ગયો છે. બોર્ડ એક તરફ કહે છે કે, તેઓ સમાધાન માટે તૈયાર છે, જ્યારે બીજો પક્ષ જોરશોરથી વિવાદિત જમીન પર દાવો કરે છે. બીજી તરફ, સુન્ની વક્ફ બોર્ડ તરફથી સિનિયર એડવોકેટ રાજીવ ધવને વિવાદિત જમીન પર દાવો માંડીને દલીલો કરી છે. આ ઉપરાંત એડવોકેટ ઓન રેકોર્ડ શાહીદ રિઝવીએ કહ્યું છે કે, અયોધ્યા ભૂમિ વિવાદ સાથે જોડાયેલા પક્ષકારો એક સમાધાન પર પહોંચી ચૂક્યા છે. એટલે આ વિવાદમાં કોઈ ચુકાદાની જરૂર નથી. જો કે, નિર્મોહી અખાડાના પ્રવક્તા કાર્તિક ચોપડાએ મધ્યસ્થીના દાવા નકારતા કહ્યું છે કે, લાગે છે કે, સુન્ની વક્ફ બોર્ડમાં જ આંતરિક વિવાદ છે. અલબત્ત, મધ્યસ્થી સમિતિના અહેવાલની ચુકાદા પર અસર નહીં પડે.
મોલ્ડિંગ ઓફ રિલીફ એટલે શું?
સુપ્રીમ કોર્ટ બંધારણના અનુચ્છેદ ૧૪૨ અને સીપીસી (સિવિલ પ્રોસિઝર કોડ)ની કલમ ૧૫૧ હેઠળ આ અધિકારનો ઉપયોગ કરે છે. ખાસ કરીને સંપત્તિનો માલિકી હક એટલે કે ટાઈટલ સૂટ ડિક્રીના મામલે ‘મોલ્ડિંગ ઓફ રિલીફ’ની જોગવાઈ છે. જેમાં નક્કી કરવામાં આવે છે કે અરજદારે કોર્ટ પાસેથી જે સંપત્તિની માગ કરી છે, જો કોર્ટ તેના નિર્ણયમાં તે સંપત્તિ નહીં આપે તો વિકલ્પ તરીકે તેને શું આપવામાં આવશે. અયોધ્યા મામલામાં જોવા જઈએ તો એકથી વધારે દાવેદારો વાળી જમીનનો માલિકી હક કોઈ એક પક્ષને મળવા અંગે અન્ય પક્ષોને તેના બદલે શું મળશે, મોલ્ડિંગ ઓફ રિલીફના આધારે આ અંગે લેખિત નોટ ફાઈલ કરાવાઈ છે.
ઈલ્હાબાદ હાઈ કોર્ટે જમીનને ૩ ભાગમાં વહેચવા કહ્યું હતું
વર્ષ ૨૦૧૦માં ઈલ્હાબાદ હાઈ કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું હતું કે, અયોધ્યાનો ૨.૭૭ એકર ભાગ ત્રણ ભાગ સરખી રીતે વહેંચી દેવામાં આવે. એક ભાગ એટલે કે સુન્ની વક્ફ બોર્ડ, બીજો નિર્મોહી અખાડો અને ત્રીજો રામલલ્લા વિરાજમાનને આપવામાં આવે. હાઈ કોર્ટના આ નિર્ણય વિરુદ્દ સુપ્રીમ કોર્ટમાં ૧૪ અરજી કરવામાં આવી હતી.


