અયોધ્યા ચુકાદા બાદ બેન્ચે સાંજે હોટેલમાં ભોજન-વાઈનની મજા માણી હતીઃ રંજન ગોગોઈ

Saturday 18th December 2021 07:38 EST
 
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અને હાલમાં રાજ્યસભાના સભ્ય રંજન ગોગોઈએ તેમની આત્મકથા ‘જસ્ટિસ ફોર ધ જજ’માં તેમના કાર્યકાળના અનેક રસપ્રદ પ્રસંગો ટાંક્યા છે, જેમાં અયોધ્યા કેસના ઐતિહાસિક ચુકાદાનો પણ સમાવેશ થાય છે. આ પુસ્તકનું પૂર્વ ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેએ વિમોચન કર્યું છે.
પૂર્વ ચીફ જસ્ટિસ ગોગોઈએ આત્મકથામાં જણાવ્યું છે કે રામ જન્મભૂમિ - બાબરી મસ્જિદ કેસમાં સર્વાનુમતે ચુકાદો આપ્યા પછી સેક્રેટરી જનરલે કોર્ટ નંબર-૧ બહાર અશોક ચક્ર નીચે ફોટો સેશનનું આયોજન કર્યું હતું. ચુકાદો આપનારી બેન્ચના ન્યાયમૂર્તિઓને સાંજે ડિનર માટે હોટેલ તાજ માનસિંહ લઈ ગયો હતો. અમે ચાઈનીઝ ફૂડ આરોગીને ત્યાં ઉપલબ્ધ શ્રેષ્ઠ શરાબની એક બોટલ શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે પાંચ ન્યાયમૂર્તિઓની બેન્ચે સર્વાનુમતે ચુકાદો સંભળાવ્યો હતો.
પુસ્તકમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ અયોધ્યા જમીન વિવાદ કેસનો ચુકાદો કોર્ટ અનામત રખાયો તે દિવસે એક અરજદારના પ્રતિનિધિને કોર્ટરૂમમાં પ્રવેશવા ના દેવા સૂચના આપીને ન્યાયમૂર્તિ ગોગોઈએ તેને કોર્ટ પ્રવેશ કરતાં રોક્યો હતો. ગોગોઇનું કહેવું છે કે આમ કરવાનું કારણ એ હતું કે તેના ઈરાદા સારા નહોતા લાગતા અને તે સુનાવણીમાં ભાંગફોડ સર્જવાનો ઈરાદો ધરાવતો હતો. ગોગોઈએ આત્મકથામાં જણાવ્યું છે કે જો તે વ્યક્તિને તે દિવસે કોર્ટખંડમાં પ્રવેશતાં અટકાવવામાં ના આવ્યો હોત તો તે દિવસે સુનાવણી અવરોધાઇ હોત અને રામમંદિરની તરફેણમાં પાંચ વિરુદ્ધ શૂન્યથી અપાયેલો ચુકાદો ૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ ના આપી શકાત.
‘હું તેની ઓળખ જાહેર નહીં કરું’
સુપ્રીમે વર્ષ ૨૦૧૦માં અલ્લાહાબાદ હાઈ કોર્ટે વિવાદિત જમીનને ત્રણ ભાગમાં વહેંચવા માટે આપેલા ચુકાદાને પડકારતાં થયેલી ૨૧ જેટલી અપીલ અને સંખ્યાબંધ અરજીઓનો નિકાલ કર્યો હતો. તેમણે પુસ્તકમાં જણાવ્યું કે જો તે વ્યક્તિ કોર્ટ ખંડમાં પ્રવેશ કરી શકી હોત તો કોર્ટની કાર્યવાહી પ્રભાવિત થઇ હોત અને કેસની મુદ્દત પડત. જોકે ગોગોઇએ તે વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી કર્યો. સમારંભમાં પણ તેમણે જણાવ્યું હતું કે હું તે વ્યક્તિની ઓળખ કદી જાહેર નહીં કરું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter