અયોધ્યા ચુકાદા સામે અરજી: જમિયત-ઉલેમાએ ચુકાદો પડકાર્યો

Wednesday 04th December 2019 05:24 EST
 
 

નવી દિલ્હી: અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા સામે જમિયત-ઉલેમા-એ-હિન્દે રિવ્યૂ પિટિશન દાખલ કરી છે. સોમવારે દેશની સર્વોચ્ચ અદાલતમાં થયેલી આ અરજીમાં અરજદારોએ દલીલ કરી છે કે આ ચુકાદામાં મુસ્લિમોને યોગ્ય ન્યાય નથી થયો.
કોર્ટમાં રજૂ થયેલી રિવ્યૂ પિટિશનમાં વિવિધ મુદ્દાઓ ટાંકીને જણાવાયું છે કે ૧૮૫૭ પહેલા મસ્જિદના પ્રાંગણમાં હિંદુઓએ પૂજા કરી હતી તેવું સુપ્રીમ કોર્ટનું અવલોકન યોગ્ય નથી. ૧૮૫૭ અને ૧૯૪૯ વચ્ચે અંદરનું આંગણુ મુસ્લિમોના કબ્જામાં હતું તે પ્રકારનું કોર્ટનું અવલોકન પણ યોગ્ય નથી. એટલું જ નહીં, મુસ્લિમ પક્ષ પોતાનો કબજો હોવાનું પુરવાર કરવામાં પણ નિષ્ફળ રહ્યો છે તે કહેવું પણ યોગ્ય નથી.
સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા (એએસઆઇ)ના રિપોર્ટ મસ્જિદ સપાટ મેદાનમાં નહીં, પણ એવી જગ્યાએ બનાવવામાં આવી હતી કે જ્યાં મસ્જિદ પહેલા હિંદુ દેવી-દેવતાઓના સ્મારક કે મુર્તિ વગેરે હતા.
અરજદારોએ એવી પણ દલીલ કરી છે કે મુસ્લિમ અને હિંદુ પક્ષકારો બન્નેએ પોતપોતાની રીતે પુરાવા રજુ કર્યા હતા જેમાં માત્ર હિંદુઓના પુરાવા પર ધ્યાન આપવામાં આવ્યું છે જ્યારે મુસ્લિમ પક્ષકારોના પુરાવા પર ધ્યાન આપવામાં આવ્યું નથી. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું છે કે હિંદુઓ કોઇ પણ પ્રકારના વિવાદ વગર જ ત્યાં પૂજાપાઠ કરતા હતા, જોકે હકીકત આવી નથી. અરજીમાં એ વાતે પણ વાંધો ઉઠાવાયો છે કે મુસ્લિમ પક્ષકારોને પાંચ એકર જમીન આપવાનો નિર્ણય યોગ્ય નથી.
આમ સર્વોચ્ચ અદાલતે જે કોઇ પણ મુદ્દા ચુકાદામાં રજુ કર્યા છે તેમાંથી લગભગ દરેકનો મુસ્લિમ પક્ષકારોએ વિરોધ કર્યો હતો.
જમિયતના વડાએ મુસ્લિમ સમાજ દ્વારા અયોધ્યા ચુકાદાની પુન: સમીક્ષા કરવાના વિરોધ કરાતો હોવાની વાત નકારી કાઢી હતી.
બીજી તરફ, સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષકારો વતી કેસ લડનાર વકીલ રાજીવ ધવનની જમિયત-ઉલેમા-એ-હિન્દે હકાલપટ્ટી કરી છે. ખુદ રાજીવ ધવને આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે સંસ્થાના વકીલ એજાઝ મકબૂલે તેમને આ જાણકારી આપતો પત્ર પાઠવ્યો છે અને તેમને આ નિર્ણય સ્વીકાર્ય છે.

૯૯ ટકા મુસ્લિમોના સમર્થનનો દાવો

દેશમાં મુસ્લિમોના સૌથી મોટા સંગઠન ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (એઆઇએમપીએલબી)નું માનવું છે કે બાબરી મસ્જિદ મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ન્યાયપાલિકા પર ભરોસો કમજોર થયો છે. ૯૯ ટકા મુસ્લિમ સમુદાય ઇચ્છે છે કે ચુકાદા સામે પુનઃ વિચાર અરજી કરવી જોઇએ. બોર્ડના મહાસચિવ મૌલાના વલી રહમાનીએ રવિવારે કહ્યું હતું કે, મુસ્લિમોને ન્યાયપાલિકા પર ભરોસો છે એટલે અયોધ્યા મામલે રિવ્યૂ પિટિશન કરાય છે, પણ બાબરી મસ્જિદ મુદ્દે ચુકાદા બાદ એમનો ભરોસો કમજોર થયો છે. જો એવું સમજવામાં આવતું હોય કે મુસ્લિમોનો મોટો વર્ગ રિવ્યૂ પિટિશનના વિરોધમાં છે તો એ ગેરસમજ છે.
બોર્ડના વકીલ ઝફરયાબ જિલાનીએ જણાવ્યું હતું કે અમે બંધારણીય અધિકારોનો ઉપયોગ કરીને બાબરી કેસમાં રિવ્યૂ પિટિશન દાખલ કરીશું. તમામ મુસ્લિમ પક્ષ અમારી સાથે છે.
બોર્ડે કહ્યું હતું કે અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આખરી માનતા નથી. મસ્જિદ બાંધવા માટે બીજી જગ્યાએ જમીન લેવી એ શરિયતની ખિલાફ છે.

પીટિશન મુસ્લિમોનાં હિતમાં નથીઃ રિઝવી

નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝના ચેરમેન ગયૂરુલ હસન રિઝવીનું કહેવું છે કે અયોધ્યા કેસમાં મુસ્લિમ સમાજે રિવ્યૂ પિટિશન કરવી જોઈએ નહીં. આવું પગલું મુસ્લિમ સમુદાયનાં હિતમાં નહીં હોય.
રિઝવીએ મુસ્લિમ સમુદાયને અપીલ કરી હતી કે રામ મંદિરના નિર્માણ માટે હિંદુ સમુદાયને મદદ કરવી જોઈએ. અરજીથી હિન્દુ-મુસ્લિમ એકતાને નુકસાન પહોંચશે. હિન્દુ સમાજમાં એક સંદેશ જશે કે મુસ્લિમ સમાજ મંદિર બનાવવાના રસ્તામાં અવરોધ ઊભા કરી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter