અયોધ્યા મંદિરઃ નિર્માણ માટે રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ જાહેર

Thursday 06th February 2020 07:35 EST
 
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર ઉત્તરપ્ર દેશના અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે ટ્રસ્ટની રચનાને કેન્દ્રીય કેબિનેટે આપેલી મંજૂરીની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી ફેબ્રુઆરીએ લોકસભામાં જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટની રચના માટે આપેલી ૩ મહિનાની સમયમર્યાદા પૂરી થવાના ચાર દિવસ પહેલાં જ દિલ્હીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કેબિનેટની બેઠક બાદ લોકસભા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અમે અયોધ્યામાં રામમંદિરનાં નિર્માણ માટેની યોજના તૈયાર કરી લીધી છે. કેન્દ્ર સરકારે અયોધ્યામાં સંપાદન કરાયેલી ૬૭.૭૦૩ એકર જમીન પણ મંજૂર કરાયેલા ટ્રસ્ટને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર નામના આ ટ્રસ્ટને ભગવાન રામના જન્મસ્થળ ખાતે ભવ્ય મંદિરના નિર્માણ અને તેને સંબંધિત તમામ નિર્ણય લેવાની સત્તા આપવામાં આવશે.

વડા પ્રધાન મોદીએ લોકસભામાં સાંસદોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, હું આજે તમને એક અત્યંત મહત્ત્વના અને ઐતિહાસિક મુદ્દા પર માહિતી આપવા આવ્યો છું. કરોડો લોકોની જેમ રામમંદિર મારા હૃદયની અત્યંત નજીક છે. રામમંદિર અંગેની જાહેરાત કરવાનું અહોભાગ્ય મને પ્રાપ્ત થયું છે. અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ પ્રમાણે સુન્ની વક્ફ બોર્ડને પાંચ એકર જમીન આપવા ઉત્તરપ્રદેશ સરકારે મંજૂરી આપી દીધી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, રામજન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા પછી ભારતના નાગરિકોએ લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં નોંધપાત્ર વિશ્વાસ પ્રદર્શિત કર્યો હતો તેના માટે હું દેશના ૧૩૦ કરોડ લોકોને સલામ કરું છું. મારી સરકાર સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ માટે પ્રતિબદ્ધ છે અને દરેક ભારતીયના કલ્યાણ માટે કામ કરી રહી છે. અમે વસુધૈવ કુટુંબકમ અને દરેક ખુશ રહેની વિચારધારામાં વિશ્વાસ ધરાવીએ છીએ. ભારતમાં હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન એમ કોઇપણ ધર્મ અને સંપ્રદાયને અનુસરનારા વિશાળ ભારતીય પરિવારના સભ્યો છે.

કેન્દ્ર સરકારે રામમંદિરના નિર્માણ માટે ટ્રસ્ટની રચના સંબંધિત ગેઝેટ નોટિફિકેશન જારી કરી દીધું છે. નવા ટ્રસ્ટની કચેરી દિલ્હીના ગ્રેટર કૈલાશ ખાતે રહેશે. ટ્રસ્ટના કુલ ૧૫ સભ્યોમાં ૮ કાયમી અને ૭ નામાંકિત સભ્યોનો સમાવેશ કરાશે. દરમિયાન અયોધ્યામાં સંપાદિત જમીનના રીસીવરે બુધવારે ટ્રસ્ટના બીજા સભ્ય અયોધ્યા રાજા બિમલેન્દ્ર મોહન મિશ્રને તેમનો કાર્યભાર સોંપી દીધો છે.

પ્રદેશ સરકારની મંજૂરી

કેન્દ્ર સરકારે રામમંદિરનાં નિર્માણ માટે ટ્રસ્ટને મંજૂરી આપ્યા પછી યુપીની યોગી આદિત્યનાથ સરકારે અયોધ્યાથી ૨૨ કિલોમીટર દૂર રૌનાહીમાં સુન્ની વક્ફ બોર્ડને પાંચ એકર જમીન આપવાની જાહેરાત કરી હતી. રૌનાહી અયોધ્યાના મુખ્ય મંદિર ક્ષેત્રથી દૂર આવેલ મુસ્લિમ બહુલ વિસ્તાર છે. રાજ્ય કેબિનેટની બેઠક બાદ કેબિનેટ પ્રધાન શ્રીકાન્ત શર્માએ જણાવ્યું હતું કે, અયોધ્યાના મુખ્ય મથકથી ૧૮ કિલોમીટર દૂર સોહાવલ રૌનાહી તાલુકાના ધન્નીપુર ગામ ખાતે પાંચ એકર જમીન સુન્ની વક્ફ બોર્ડને આપવા મંત્રીમંડળે મંજૂરી આપી છે. આ જમીન લખનઉ-અયોધ્યા હાઇવે પર અયોધ્યાથી ૨૨ કિલોમીટર પહેલાં આવેલી છે. બીજીતરફ સુન્ની વકફ બોર્ડે પણ પાંચમીએ ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા ફાળવવામાં આવેલી પાંચ એકર જમીનના વહીવટ માટે ઇસ્લામિક ટ્રસ્ટની રચના કરવાની જાહેરાત કરી હતી. બોર્ડે જણાવ્યું હતું કે, ટ્રસ્ટની રચના કરી બેથી ત્રણ દિવસમાં નોંધણી કરાવાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ જમીનનો વહીવટ ઇન્ડો ઇસ્લામિક કલ્ચર ટ્રસ્ટ નામના ટ્રસ્ટ દ્વારા કરાશે.

એક ટ્રસ્ટી હંમેશાં દલિત સમાજના રહેશે

લોકસભામાં વડા પ્રધાન મોદીએ અયોધ્યામાં રામમંદિરનાં નિર્માણ માટે ટ્રસ્ટની રચનાની જાહેરાત કર્યા પછી કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાં કુલ ૧૫ ટ્રસ્ટી રહેશે. તેમાં દલિત સમાજના એક ટ્રસ્ટીને કાયમી પ્રતિનિધિત્વ આપવામાં આવશે. આ ટ્રસ્ટ મંદિરનાં નિર્માણ અને અન્ય મામલાઓ સંબંધિત નિર્ણય લેવા માટે સંપૂર્ણ સ્વતંત્ર રહેશે. સરકાર દ્વારા સંપાદિત કરાયેલી ૬૭ એકર જમીન પણ ટ્રસ્ટને હસ્તાંતરિત કરાશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ટૂંકસમયમાં કરોડો લોકોનો સદીઓનો ઇંતજાર સમાપ્ત થઇ જશે અને તેઓ ભવ્ય મંદિરમાં દર્શન કરી શકશે. ભારતની આસ્થાના પ્રતીક સમાન ભગવાન રામનાં મંદિર પ્રત્યે પીએમ મોદીની પ્રતિબદ્ધતાને હું બિરદાવું છું. આજનો દિવસ સમગ્ર ભારત માટે આનંદનો દિવસ છે. દેશમાં સામાજિક સૌહાર્દ મજબૂત કરતા આ અભૂતપૂર્વ નિર્ણય માટે હું વડા પ્રધાનને અભિનંદન પાઠવું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter