અયોધ્યા વિવાદમાં તારીખ પે તારીખઃ હવે જાન્યુઆરીમાં સુનાવણી

Wednesday 31st October 2018 07:00 EDT
 
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે અયોધ્યા કેસની સુનાવણી અગ્રતાક્રમે વહેલી કરવાની ઉત્તર પ્રદેશ સરકારની વિનંતીને ફગાવી દેતાં જણાવ્યું હતું કે આ કેસમાં કઈ બેન્ચ સુનાવણી હાથ ધરશે તે અંગેનો નિર્ણય આગામી વર્ષ જાન્યુઆરીમાં કરાશે. અયોધ્યા કેસ પરની માત્ર ત્રણ જ મિનિટની કાર્યવાહી અંતે સુપ્રીમે સુનાવણી જાન્યુઆરીમાં મુકરર કરતો નિર્ણય લઈ લીધો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને કે. એમ. જોસેફની બનેલી બેન્ચે કહ્યું હતું કે આ કેસમાં અર્જન્ટ સુનાવણી હાથ ધરી શકાય તેમ નથી. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને દિવાળીની રજાઓ પછી અયોધ્યા કેસની સુનાવણી શરૂ કરવા વિનંતી કરી હતી, પરંતુ ગોગોઈએ જણાવ્યું હતું કે સુનાવણી અંગે યોગ્ય બેન્ચ જાન્યુઆરીમાં નિર્ણય લેશે. આ કેસની સુનાવણી કઈ બેન્ચ કરશે તેની પણ અમને જાણકારી નથી.
આ પહેલાં ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ સુપ્રીમે, ‘મસ્જિદ ઇસ્લામનું અનિવાર્ય અંગ નથી’ તે મુદ્દે આપવામાં આવેલા ચુકાદાને પડકારતાં થયેલી અરજી પર પુનઃવિચારણા કરવા ઇનકાર કર્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે રામજન્મભૂમિ - બાબરી મસ્જિદ વિવાદ કેસમાં દીવાની વાદ વિવાદનો નિર્ણય માત્ર પુરાવા આધારે લેવામાં આવશે અને આ સંબંધે પૂર્વે કોઈ કોર્ટે નિર્ણય લીધા હશે તો પણ પ્રાસંગિક નહીં રહે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter