અયોધ્યાથી રામેશ્વરમ્ કોરિડોરઃ રામ વનવાસના ૧૭ સ્થળોને આવરી લેવાશે

Saturday 16th November 2019 15:20 EST
 
 

નવી દિલ્હીઃ જાણીતા ઈતિહાસકાર અને પુરાતત્ત્વ સંશોધક ડો. રામ અવતારે શ્રીરામ અને સીતાના જીવનની ઘટનાઓ સાથે જોડાયેલા એવા ૨૦૦થી વધુ સ્થળ શોધ્યા છે, જ્યાં રામ અને સીતા વનવાસ વખતે રોકાયા હતા. આ સ્થળોને સાંકળતો કોરિડોર વિકસાવવાની સરકારની યોજના છે. અયોધ્યાથી રામેશ્વરમ્ સુધી પ્રવાસનનો નવો નકશો તૈયાર કરાઈ રહ્યો છે. સંશોધકોના મતે, રામ વનગમન પથ યોજના આ પ્રમાણે છેઃ
• તમસા નદી: અયોધ્યાથી ૨૦ કિ.મી. દૂર આવેલી આ નદી રામ-સીતાએ હોડીમાં બેસીને પાર કરી હતી.
• શ્રૃંગવેરપુર તીર્થ: પ્રયાગરાજથી ૨૦-૨૨ કિ.મી. દૂર આ સ્થળ નિષાદરાજનું ગૃહરાજ્ય હતું. અહીંથી જ તેમણે ગંગા પાર કરવાનું કહ્યું હતું. શ્રૃંગવેરપુર હાલમાં સિંગરૌર તરીકે જાણીતું છે.
• કુરઈ: સિંગરૌરમાં ગંગા પાર કરીને શ્રીરામ કુરઈમાં રોકાયા હતા.
• પ્રયાગ: કુરઈથી આગળ જઈને રામ-સીતા અને લક્ષ્મણ પ્રયાગ પહોંચ્યા હતા.
• ચિત્રકૂટ: પછી રામ ચિત્રકૂટ ગયા, જ્યાં રામને અયોધ્યા પરત લઈ જવા ભરત આવ્યા હતા.
• સતના: અહીં અત્રિ ઋષિનો આશ્રમ હતો.
• દંડકારણ્ય: ચિત્રકૂટથી નીકળીને રામ દંડકારણ્ય ગયા હતા. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રનો કેટલોક હિસ્સો મળીને દંડકારણ્ય બન્યું હતું.
• પંચવટી નાસિક: દંડકારણ્યમાં મુનિઓના આશ્રમોમાં રહ્યા પછી રામ અગસ્ત્ય મુનિના આશ્રમ ગયા. આ આશ્રમ નાસિકના પંચવટી ક્ષેત્રમાં છે, જે ગોદાવરી નદીના કિનારે છે. અહીં જ લક્ષ્મણે શૂપર્ણખાનું નાક કાપ્યું હતું.
• સર્વતીર્થ: નાસિક ક્ષેત્રમાં જ રાવણે સીતાનું હરણ અને જટાયુનો વધ કર્યો હતો. આ તીર્થ પર જ લક્ષ્મણ રેખા હતી.
• પર્ણશાલા: પર્ણશાલા આંધ્ર પ્રદેશમાં ખમ્મમ જિલ્લાના ભદ્રાચલમમાં છે. રામાલયથી આશરે એક કલાકના અંતરે આવેલી પર્ણશાલાને પનસાલા પણ કહે છે.
• તુંગભદ્રા: તુંગભદ્રા અને કાવેરી નદી ક્ષેત્રના અનેક સ્થળે રામ, સીતાની ખોજમાં ગયા હતા.
• શબરી આશ્રમ: રામ માર્ગમાં પમ્પા સરોવર પાસે શબરી આશ્રમ ગયા હતા, જે કેરળમાં આવેલો છે.
• ઋષ્યમૂક પર્વત: મલય પર્વત અને ચંદન વનને પાર કરીને ઋષ્યમૂક પર્વત તરફ આગળ વધ્યા. અહીં તેઓ હનુમાન અને સુગ્રીવને મળ્યા અને બાલીનો વધ કર્યો.
• કોડીકરઈ: અહીં રામની સેનાએ પડાવ નાંખ્યો હતો અને રામેશ્વરમ્ તરફ કૂચ કરી હતી.
• રામેશ્વરમ્: રામે લંકા પર ચઢાઈ કરતાં પહેલા અહીં ભગવાન શિવની પૂજા કરી હતી. રામેશ્વરમના શિવલિંગની સ્થાપના રામે કરી હતી.
• ધનુષકોડી: રામ રામેશ્વરમ્ આગળ ધનુષકોડી પહોંચ્યા. જ્યાંથી તેમણે રામસેતુ બનાવ્યો હતો.
• નુવારા એલિયા પર્વત: શ્રીલંકામાં નુઆરા એલિયા પહાડોની આસપાસ આવેલા રાવણ ધોધ, રાવણ ગુફા, અશોક વાટિકા, ખંડેર થઈ
ગયેલા વિભિષણના મહેલ વગેરેની પુરાતત્ત્વીય તપાસ કરીને તે રામાયણ કાળના હોવાની પુષ્ટિ કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter