અયોધ્યાઃ અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિરના નિર્માણનો પહેલો તબક્કો આ વર્ષે 30 ડિસેમ્બર સુધીમાં પૂરો કરાશે. મંદિરનું બાંધકામ ત્રણ તબક્કામાં પૂરું કરાશે. જેમાં પહેલા તબક્કાનું બાંધકામ આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરીને મંદિરનાં ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાશે. આમ ડિસેમ્બર સુધીમાં ભક્તો મંદિરમાં પ્રવેશ કરીને રામલલાનાં દર્શન કરી શકશે.
પહેલા તબક્કામાં પાંચ મંડપની કામગીરી
રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની નિર્માણ સમિતિના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે, મંદિરનાં બાંધકામની અન્ય કામગીરી ઉપરાંત પહેલા તબક્કામાં પાંચ મંડપનું નિર્માણ કાર્ય પર્ણ કરાશે. ટ્રસ્ટે નક્કી કર્યું છે કે પહેલા તબક્કાનું બાંધકામ આ વર્ષે 30 ડિસેમ્બર સુધીમાં પૂરું કરવામાં આવે. પાંચ મંડપના બાંધકામમાં 160 સ્તંભ લગાવાશે, જેમાં આઈકોનોગ્રાફી એટલે કે વિઝ્યુઅલ ઈમેજ તેમજ સિમ્બોલનું કામ પૂરું કરાશે.
રૂ. 1400થી 1800 કરોડનો ખર્ચ
મિશ્રાએ કહ્યું હતું કે ભક્તો 30 ડિસેમ્બર સુધીમાં તેમના પ્રભુના દર્શન કરી શકે તેવા તમામ પ્રયાસ કરાશે. ગૃહ પ્રધાન અમિત શાહે પણ તાજેતરમાં સંકેતો આપ્યા હતા કે ભક્તો માટે રામ મંદિરને આવતા વર્ષે 1 ડિસેમ્બર સુધીમાં ખોલવામાં આવશે. રામ મંદિરનું રૂ 1400 કરોડથી રૂ. 1800 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. મંદિરના બાંધકામના પહેલા તબક્કામાં મંદિરના નીચલા ચબૂતરા પર ભગવાન રામનાં જીવનનું સંક્ષિપ્તમાં વર્ણન કરાશે. આ ઉપરાંત વીજળી તેમજ અન્ય સુવિધાઓની કામગીરીને આખરી ઓપ અપાશે. મંદિરના બહારનાં પરિઘ તેમજ પહેલા અને બીજા માળની કામગીરી 30 ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરાશે. સંપૂર્ણ મંદિરની કામગીરી ડિસેમ્બર 2025 સુધીમાં આટોપવામાં આવશે.


