અયોધ્યામાં ધન્નીપુર મસ્જિદ નિર્માણને લીલી ઝંડી

Saturday 11th March 2023 00:14 EST
 
 

નવી દિલ્હીઃ અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી (એડીએ) દ્વારા અહીં ધન્નીપુર મસ્જિદના નિર્માણ માટે અંતિમ મંજૂરી આપી દેવામાં આવી છે. બાબરી મસ્જિદ - રામ જન્મભૂમિ ચુકાદામાં કોર્ટના નિર્દેશ બાદ સરકારે અયોધ્યા જિલ્લાના ધન્નીપુર ગામમાં પાંચ એકર જમીન ફાળવી હતી. આ જગ્યામાં ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા મસ્જિદ, હોસ્પિટલ, સંશોધન સંસ્થા, સામુદાયિક રસોડું અને પુસ્તકાલય બનાવવામાં આવશે. જરૂરી મંજુરી ન મળવાના તથા એડીએ દ્વારા જમીનના હેતુફેરની કાર્યવાહિને કારણે નિર્માણકાર્યમાં બે વર્ષથી વધુ સમયનું મોડું થયું છે.
અયોધ્યાના ડિવિઝનલ કમિશનર અને એડીએના પ્રમુખ ગૌરવ દયાલે શનિવારે કહ્યું હતું કે, અમે શુક્રવારે મળેલી બોર્ડ મીટિંગમાં અયોધ્યા મસ્જિદના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. કેટલીક વિભાગીય ઔપચારિકતાઓ બાદ મંજૂર થયેલા નકશા થોડા દિવસોમાં ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનને સોંપવામાં આવશે.
ટ્રસ્ટના સચિવ અતહર હુસૈને જણાવ્યું હતું કે તમામ મંજૂરી મળ્યા બાદ એક બેઠક યોજવામાં આવશે અને મસ્જિદના નિર્માણની યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
હુસૈને જણાવ્યું હતું કે 21 એપ્રિલે સમાપ્ત થતાં રમઝાન પછી ટ્રસ્ટની બેઠક મળશે. તે બેઠકમાં મસ્જિદના નિર્માણકાર્યને શરૂ કરવાની તારીખ નક્કી કરવામાં આવશે. હુસૈને ઉમેર્યું હતું કહ્યું કે ધન્નીપુર મસ્જિદ બાબરી મસ્જિદ કરતા પણ મોટી હશે. ધન્નીપુર મસ્જિદ સ્થળ તીર્થનગરીમાં રામ મંદિર સ્થળથી લગભગ 22 કિમી દૂર છે.
ઉલ્લેખનીય છે કે 9 નવેમ્બર, 2019ના રોજ એક ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં વિવાદિત સ્થળ પર રામ મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો અને સરકારને મસ્જિદના નિર્માણ માટે પાંચ એકર જમીન ફાળવવા જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter