અયોધ્યાઃ છેલ્લી પાંચ સદીથી ચાલી રહેલા વિવાદ અને ૧૩૪ વર્ષથી ચાલતા કાયદાકીય વિખવાદનો સુખદ અંત આવ્યો છે. બહુપ્રતિક્ષિત અને કરોડો ભારતીયોની આસ્થાના પ્રતીક સમાન રામ મંદિર નિર્માણ માટે પાંચમી ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે વડા પ્રધાને જણાવ્યું કે, ભારતીયો વર્ષોથી જે રામરાજ્યની રાહ જોઈ રહ્યા હતા તે હવે આધુનિક ભારતમાં શક્ય બનશે. ફરી એક વખત આધુનિક ભારતમાં અયોધ્યામાં બનનારા આ મંદિર દ્વારા રામરાજ્યની પરિકલ્પના સાર્થક થશે. તેમણે કહ્યું કે જે મર્યાદા સાથે આપણે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સ્વીકાર કર્યો હતો તે જ મર્યાદા સાથે લોકોની લાગણીઓનું માન રાખીને મંદિરનું નિર્માણ કરવાનું છે.
પાંચમી ઓગસ્ટે યોજાયેલા શિલાન્યાસ પ્રસંગે વડા પ્રધાન સાથે બીજા ૧૬ લોકોએ હાજરી આપી હતી. અયોધ્યા અને કાશીના પંડિતો સિવાય ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબહેન પટેલ, સંઘના વડા મોહન ભાગવત, રામ જન્મભૂમિ ટ્રસ્ટના વડા મહંત નૃત્યગોપાલદાસ અને સિંઘલ પરિવારના સભ્યોએ હાજરી આપી હતી.
માત્ર ૩૨ સેકન્ડના શુભ મુહૂર્તમાં ૧૨:૪૮:૦૮ કલાકે વડા પ્રધાન મોદીએ મંદિરનિર્માણનો સંકલ્પ કર્યો હતો. જનમાં ૨૦૦૦ પવિત્ર સ્થળોની માટી અને ૧૦૦ પવિત્ર નદીનાં જળનો પણ ઉપયોગ કરાયો હતો. આ પ્રસંગે પૂજામાં કાંચીના શંકરાચાર્ય દ્વારા મોકલાયેલા યંત્ર અને બકુલના વૃક્ષમાંથી બનેલા શંકુની સ્થાપના કરાઇ હતી. તો સોના-ચાંદી સહિત નવ રત્નો મૂકાયા હતા.
મોદીએ આ દરમિયાન જય સિયારામનો જયઘોષ કર્યો હતો અને કહ્યું હતું કે દરેકમાં રામ છે, દરેકના રામ છે. સામાજિક સમરસતા ભગવાન રામના શાસનમાં સૌથી મહત્વનો સિદ્ધાંત હતો. રામ મંદિર બનાવવાથી દેશની એક્તામાં વધારો થશે. પ્રેમ અને ભાઇચારા સાથે દરેકે તેમાં સાથસહકાર આપવો જોઇએ. દેશમાં અન્ય હિસ્સામાં પણ કેટલાક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે અનેક દેશોમાં રામ કથા બહુ જ પ્રખ્યાત છે. ઇરાન, ચીન જેવા દેશોમાં પણ રામનો ઉલ્લેખ મળી જશે. વિશ્વમાં અનેક એવા દેશો છે કે જ્યાં ભગવાન રામની પૂજા થાય છે. ઇન્ડોનેશિયામાં મુસ્લિમોની વસતી વિશ્વમાં સૌથી વધુ છે અને ત્યાં પણ ભગવાન રામ અને રામાયણ બહુ જ પ્રખ્યાત છે.
મોદીએ કહ્યું હતું કે શ્રીલંકામાં પણ ભગવાનની વાર્તા જાનકી હરણને બાળકોથી લઇને અનેક લોકોને કહેવામાં આવે છે. મને લાગે છે કે અહીં રામ મંદિરનું નિર્માણ થવાથી માનવજાતને પ્રેરણા આપશે.
દિલમાં અયોધ્યા બનાવી રામને અનુસરો: ભાગવત
શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત સંઘ પરિવારના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે લોકોએ પોતાના દિલમાં અયોધ્યા બનાવવાની જરૂર છે કે જ્યાં લોકોએ અયોધ્યાના રાજાના વિચારોને અનુસરવા જોઇએ જેથી ભારતને એક મહાન દેશ બનાવી શકાય. તેમણે કહ્યું હતું કે રામ જન્મભૂમિ પૂજનથી સમગ્ર દેશમાં ખુશીની લહેર દોડી ગઇ છે અને તે આત્મનિર્ભર ભારતમાં મદદ કરશે.
સંઘ પ્રમુખે સાથે સાથે જ મંદિર આંદોલનમાં સામેલ એલ.કે. અડવાણી, અશોક સિંઘલ અને મહંત રામચંદ્ર દાસ પરમહંસને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સંઘે ત્રણ દસકા સુધી રામ મંદિર નિર્માણ માટે આંદોલન ચલાવ્યું છે. તે સમયના સંઘના પ્રમુખ બાળાસાહેબ દેવરસે અમને કહ્યું હતું કે આપણે આ માટે ૨૦થી ૩૦ વર્ષ સુધી ભારે મહેનત કરવી પડશે અને અંતે પરિણામ આવ્યું છે.