અયોધ્યામાં મસ્જિદ માટે વૈકલ્પિક જમીન નામંજૂર: જમિયતે વાંધો લીધો

Saturday 16th November 2019 04:47 EST
 
 

લખનઉઃ અયોધ્યાના બહુચચર્ચિત જમીન વિવાદ કેસમાં ઐતિહાસિક ચુકાદો આવ્યાના અઠવાડિયા બાદ નવો વળાંક આવ્યો છે. આ કેસમાં હવે મુસ્લિમ પક્ષકારો વૈકલ્પિક જમીનના ચુકાદાથી સંતુષ્ટ ન હોવાનું સામે આવ્યું છે. અયોધ્યા ટાઈટલ કેસમાં એક મહત્ત્વના મુસ્લિમ પક્ષકાર એવા જમિયત-ઉલેમા-એ-હિન્દે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મસ્જિદ નિર્માણ માટે વૈકલ્પિક સ્થળે પાંચ એકર જમીન સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. તેમણે આ મુદ્દે યોગ્ય વિચારણા કરવાની વાત પણ કરી છે.
દિલ્હીમાં ૧૪ નવેમ્બરે જમિયતની વર્કિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં એવો નિર્ણય લેવાયો હતો કે સંસ્થાને મસ્જિદના બદલામાં જમીન કે પૈસા કશું સ્વીકાર્ય નથી. બીજા એક મહત્ત્વના નિર્ણયમાં જમિયતે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે રિવ્યૂ પિટિશન કરવાની શક્યતા પણ નકારી નથી.
સંસ્થાની પાંચ સભ્યોની કમિટિના પ્રમુખ અર્શદ મદનીએ કહ્યું હતું કે આ માટે તેઓ કાનૂની અભિપ્રાય લઈ રહ્યા છે. આમ વર્કિંગ કમિટીની બેઠકમાં બે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કમિટીએ સર્વાનુમતે નક્કી કર્યું હતું કે, વિશ્વમાં ક્યાંય મસ્જિદનો બીજો કોઈ વિકલ્પ હોતો નથી. કોઈ પણ મુસ્લિમ સંસ્થાને સોદાબાજી કરવાનો અધિકાર નથી.

૬૭ એકરની અંદર જમીન આપોઃ મુસ્લિમ પક્ષ

દરમિયાન, અયોધ્યા કેસના મુખ્ય ફરિયાદી ઇકબાલ અન્સારી સહિત અનેક મુસ્લિમ નેતાઓએ એવી લાગણી અને માગણી વ્યક્ત કરી છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા અંતર્ગત નવી મસ્જિદના નિર્માણ માટે અપાનારી પાંચ એકર જમીન અયોધ્યામાં સંપાદિત કરાયેલી ૬૭ એકર જમીનની અંદર જ હોવી જોઈએ. ઇકબાલ અન્સારીએ કહ્યું કે જો સરકાર અને સુપ્રીમ કોર્ટ અમને જમીન આપવા માગતા હોય તો અમારી સગવડતા અનુસાર જમીન મળવી જોઈએ અને તે ૬૭ એકરની અંદર જ હોવી જોઈએ, તો જ અમે જમીન લઈશું. બીજા કોઈ સ્થળે આપવામાં આવતી જમીન અમને મંજૂર નથી અને અમે તેને નકારી દઈશું.

ન્યાસની ડિઝાઇન અનુસાર મંદિર નિર્માણ: વિહિપ

વિશ્વ હિંદુ પરિષદે (વિહિપ) એવું જણાવ્યું કે રામ મંદિર નિર્માણ ટ્રસ્ટમાં ગૃહ પ્રધાન અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને સામેલ કરવા જોઈએ. વિહિપના પ્રવક્તા શરદ શર્માએ કહ્યું હતું કે અમને આશા છે કે રામ જન્મભૂમિ ન્યાસની ડિઝાઇન અનુસાર જ ભવ્ય રામ મંદિરનું નિર્માણ થશે. જોકે બધું કેન્દ્ર સરકારે નક્કી કરવાનું છે. ન્યાસ અયોધ્યામાં કારસેવકપુરમમાં વર્ષ ૧૯૯૦થી કલાકારો અને શિલ્પકારો માટે કાર્યશાળા ચાલી રહી છે તેમાં કલાકારોએ ઘણા પથ્થરો અને થાંભલા પર કલાકૃતિઓ કોતરી છે.
બીજી બાજુ, રાજ્યસભા સાંસદ અને વકીલ વિવેક તન્ખાએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે સરકારને ટ્રસ્ટ બનાવવાનો નિર્દેશ આપ્યો છે તેથી કાયદો બનાવીને ટ્રસ્ટ બનાવવાની સંભાવના છે. આ સંબંધમાં બિલને સંસદના બન્ને ગૃહોમાં પાસ કરવું પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદના આગામી શિયાળુ સત્રમાં મોદી સરકાર ટ્રસ્ટ બનાવવા માટે ખરડો રજૂ કરી શકે છે. આ સત્ર ૧૯ નવેમ્બરથી શરૂ થઈને ૧૩ ડિસેમ્બર સુધી ચાલશે.

સોમનાથ જેવું હશે રામ મંદિર ટ્રસ્ટ

સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે વિવાદિત ૨.૭૭ એકર જમીન રામલલ્લા વિરાજમાનને સોંપવામાં આવે, કેન્દ્ર સરકાર મંદિર નિર્માણ માટે ૩ મહિનામાં બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની રચના કરે અને તેની યોજના ઘડી કાઢે. આ ચુકાદાના આધારે એવી શક્યતા વ્યક્ત કરાઇ છે કે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ પણ ગુજરાતના શ્રી સોમનાથ ટ્રસ્ટની જેમ જ ધાર્મિક ચેરિટેબલ ટ્રસ્ટ હશે. રામમંદિર નિર્માણ માટે નવા ટ્રસ્ટમાં શ્રી રામ જન્મભૂમિ ન્યાસ પણ સામેલ થશે. બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પણ સામેલ થઈ શકે છે. તેઓ સોમનાથ ટ્રસ્ટના પણ સભ્ય છે. સોમનાથ ટ્રસ્ટમાં ચેરમેન તથા સચિવ સહિત કુલ ૮ સભ્યો છે. સુપ્રીમ કોર્ટમાં શ્રી રામલલ્લા વિરાજમાનના વકીલ ત્રિલોકીનાથ પાંડેએ જણાવ્યું કે અમારી સામે શ્રી સોમનાથ ટ્રસ્ટની સાથે, તિરુપતિ દેવસ્થાનમ્ અને વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડનું પણ મોડેલ છે. કોર્ટના ચુકાદામાં આ પ્રકારની સંભાવના પર અમે પહેલાથી જ વિચારી લીધી હતી. નવા ટ્રસ્ટમાં શ્રી રામ જન્મભૂમિ ન્યાસ પણ સામેલ થશે. તેના સ્વરૂપ અંગે ભવિષ્યમાં વિચાર કરાશે. કેન્દ્ર સરકાર જ તેના વિશે કોઈ નિર્ણય કરશે.

મારે મારી મસ્જિદ પાછી જોઈએ : ઓવૈસી

બીજી તરફ મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ ૧૫ નવેમ્બરે ટ્વિટ કર્યું હતું કે ‘મારે મારી મસ્જિદ પાછી જોઈએ...’ આ પછી નેટીઝન્સ તેમની પર તૂટી પડયા હતા અને તેમને ભારે ટ્રોલ કરવામાં આવ્યા હતા. એક ટ્વિટર યૂઝર્સે તેમને પરખાવ્યું હતું કે જો તમારે તમારી મસ્જિદ પાછી જોઈતી હોય તો ૧૬મી સદીમાં પાછા ચાલ્યા જાઓ. કારણ કે આ મુઘલ કાળનું ભારત નથી. જ્યારે બીજા એક યૂઝર્સે લખ્યું હતું કે (ઓવૈસીને) બહુ પાછળના કાળમાં નહીં મોકલી દેતાં, નહી તો ફરી પાછું રામમંદિર જ મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter