ફૈઝાબાદઃ રામ જન્મભૂમિના વિવાદને લઈ હિંદુ-મુસ્લિમ વચ્ચે સંઘર્ષના સમાચારો વચ્ચે અયોધ્યાના ગોસાઈગંજ વિસ્તારમાં આવેલા બેલારિખન ગામમાં હિંદુઓએ પોતાની જમીન મુસ્લિમોને કબ્રસ્તાન માટે દાનમાં આપી છે. આ શરૂઆત ભાજપના સ્થાનિક ધારાસભ્ય ઈન્દ્રપ્રતાપ તિવારીએ કરાવી હતી. આ જમીનને લઈને ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આખરે સૂર્યકુમાર મહારાજ નામના એક સંતે ૧.૨૫ બિશ્વા જમીન તેના બાકીના આઠ માલિકો સાથે મળીને મુસ્લિમોને નામે કરી આપી છે. જમીનના તમામ માલિકોએ ૨૦ જૂનના રોજ એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરીને જમીનને લગતા વિવાદનો કાયમી અંત આણ્યો હતો.
જાણવા મળ્યા મુજબ તે જમીન હિંદુઓની હતી, પરંતુ ઘણી વખત મુસ્લિમો પોતાના પરિજનોના મોત બાદ તેમને ત્યાં દફનાવતા હતા જેથી વિવાદ થતો હતો. મહારાજે બાકીના ભાગીદારો સાથે મળીને ફૈઝાબાદ સબ રજિસ્ટ્રારની ઓફિસમાં કાગળો પર હસ્તાક્ષર કરી આપ્યા હતા અને જમીન ગોસાઈગંજ કબ્રસ્તાન કમિટીને નામે કરી આપી હતી. ટૂંક સમયમાં જ જમીનને રેવન્યૂ રેકોર્ડ્સમાં પણ ફેરફાર કરી દેવાશે. તિવારીના કહેવા પ્રમાણે હિંદુ-મુસ્લિમ ભાઈચારો અનેક સદીઓથી ચાલતો આવે છે અને આ હિંદુઓએ સ્ટેમ્પ ડયુટી સાથે મુસ્લિમોને આપેલી ભેટ છે. સાથે જ તેમણે આ સંબંધ જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરી હતી.