અનંતનાગ: ગૃહ પ્રધાન બન્યા બાદ જમ્મુ- કાશ્મીરની પહેલી મુલાકાતે પહોંચેલા અમિત શાહ ૨૭મીએ શહીદ એસએચઓ અરશદ ખાનના પરિવારને મળ્યા હતા. ખાન ૧૨ જૂનના અનંતનાગ આતંકી હુમલામાં શહીદ થયા હતા. અમિત શાહ અરશદ ખાનના માતાપિતાને મળ્યા હતા. શાહે તેમના માતાપિતાને કહ્યું કે અરશદ ખાનની વીરતા અને સાહસ પર આખા દેશને ગર્વ છે. અરશદ ખાનના પરિવારને મળ્યા બાદ શાહે ટ્વિટ કરીને કહ્યું કે શ્રીનગરના અનંતનાગમાં શહીદ એસએચઓ અરશદ ખાનના ઘેર ગયો. તેઓ આતંકી હુમલામાં શહીદ થયા હતા. મેં તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. દેશની સુરક્ષા માટે તેમના બલિદાને ઘણા લોકોની જિંદગી બચાવી. સમગ્ર દેશને તેમના સાહસ પર ગર્વ છે.
૩૦ વર્ષમાં પહેલી વાર, અલગાંવવાદીઓ બંધથી દૂર રહ્યા
૩૦ વર્ષમાં પહેલી વાર એવું બન્યું છે કે જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાનની મુલાકાત વખતે અલગાંવવાદીઓએ બંધનું આહ્વાન ન કર્યું હોય. ૩૦ વર્ષથી તો ગૃહપ્રધાનની મુલાકાત વખતે અલગાંવવાદીઓના બંધનો સિલસિલો ચાલી રહ્યો છે. પરંતુ પહેલી વાર અલગાંવવાદીઓ બંધથી દૂર રહ્યા હતા.