અરુણ જેટલી, સુષ્મા સ્વરાજને મરણોત્તર પદ્મ વિભૂષણ, મનોહર પારિકરને પદ્મ ભૂષણ

Wednesday 29th January 2020 07:44 EST
 
 

નવી દિલ્હીઃ સરકારે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ પદ્મ સન્માનોની જાહેરાત કરી હતી. કુલ સાત વ્યક્તિને પદ્મ વિભૂષણ, ૧૬ને પદ્મ ભૂષણ અને ૧૧૮ને પદ્મશ્રીનું સન્માન એનાયત થશે. દિવંગત ભાજપી નેતા અને પૂર્વ કાયદા પ્રધાન અરુણ જેટલી તથા પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને મરણોત્તર પદ્મ વિભૂષણ જ્યારે ગોવાના પૂર્વ મુખ્ય પ્રધાન દિવંગત મનોહર પારિકરને પદ્મ ભૂષણનું સન્માન અપાશે. મરણોપરાંત પદ્મ વિભૂષણ સન્માનમાં જ્યોર્જ ફર્નાન્ડિઝ અને સ્વર્ગસ્થ મહંત વિશ્વેસા તીર્થનો સમાવેશ થાય છે. પદ્મ ભૂષણમાં સૈયદ મુઆઝમ અલી અને નીલકંઠ રાધાકૃષ્ણનો સમાવેશ થાય છે.
ભારત સરકાર દ્વારા સામાજિક, શિક્ષણ, સંસ્કૃતિ-કળાના ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ પદ્મ સન્માન એનાયત થાય છે. આ વખતના સન્માનમાં રમતગમતમાંથી મેરી કોમને પદ્મ વિભૂષણ અને ટેનિસ ખેલાડી પી. વી. સિંધુને પદ્મ ભૂષણ જાહેર થયું છે. ઉપરાંત પૂર્વ ક્રિકેટર ઝહિર ખાન, હોકી ખેલાડી રાની રામપાલ અને શૂટર જીતુ રાઈને પદ્મશ્રી અપાશે.
ભુખ્યાને ભોજન કરાવતા બાબા લંગરના નામથી જાણીતા જગદીશ અહુઝા, ૨૫ હજારથી વધુ બિનવારસી લાશોનો અંતિમ સંસ્કાર કરનારા મોહમ્મદ શરીફ, કાશ્મીરમાં દિવ્યાંગ બાળકો માટે કામ કરતા અહમદ ટાક, વનની વનસ્પતિના એન્સાઈક્લોપિડિયા ગણાતા તુલસી ગૌડા સહિતને પદ્મશ્રીનું સન્માન અપાશે. ૭૪ વર્ષીય તુલસીદાદીએ લગભગ ૧ લાખથી પણ વધારે વૃક્ષો વાવીને કર્ણાટકના કાંઠાને નંદનવન બનાવ્યું છે.
ભોપાલ ગેસ કાંડ પછી સ્થિતિ થાળે પાડવાનું કામ કરનારા કાર્યકર્તા અબ્દુલ જબ્બારને મરણોપરાંત પદ્મશ્રી અપાશે.
ભારત બહારના પણ કોઈક રીતે ભારતની કામગીરી સાથે સંકળાયેલા પરદેશીઓને પણ આ સન્માન જાહેર કરાયું છે. અમેરિકા, બ્રિટન, શ્રીલંકા, બ્રાઝિલ, અફઘાનિસ્તાન, ફ્રાન્સ, બાંગ્લાદેશ. વગેરે દેશના નાગરિકોને પણ પદ્મ સન્માન ઘોષિત કરાયા છે.
બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેનને પદ્મશ્રી
બ્રિટિશ કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેનને જનસંબંધિત મુદ્દાઓ ક્ષેત્રે સકારાત્મક પ્રદાન બદલ આ વર્ષે પદ્મશ્રી સન્માન જાહેર કરાયું છે. બ્લેકમેનને આ સન્માન જાહેર થતાં તેમણે ટ્વિટર પર ભારત અને તેમને શુભેચ્છા આપનાર સૌનો આભાર માનવા સાથે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે આ સાથે જણાવ્યું હતું કે, આ સન્માન યુકેના સંપૂર્ણ ઈન્ડિયન ડાયસ્પોરાનું છે. જય હિંદ, ભારતમાતા કી જય...
પદ્મ વિભૂષણ
૧. જ્યોર્જ ફર્નાન્ડિઝ (જાહેર સેવા) ૨. અરુણ જેટલી (જાહેર સેવા) ૩. અનિરુદ્ધ જગન્નાથ
૪. એમ. સી. મેરી કોમ (સ્પોર્ટ્સ) ૫. છન્નુલાલ મિશ્રા (કળા) ૬. સુષ્મા સ્વરાજ (જાહેર સેવા) ૭. વિશ્વતીર્થ સ્વામી (આધ્યાત્મ)
પદ્મ ભૂષણ
૧. મુમતાઝ અલી (આધ્યાત્મ) ૨. સૈયદ મુઆઝમ અલી (જાહેર સેવા) ૩. મુઝ્ફર હુસૈન બેગ (જાહેર સેવા) ૪. અજય ચક્રબર્તી (કળા) ૫. મનોજ દાસ (શિક્ષણ) ૬. બાલકૃષ્ણ દોશી (સ્થાપત્ય) ૭. કે. જગન્નાથન (સામાજીક કાર્ય) ૮. એસ. સી. જમીર (જાહેર સેવા) ૯. અનિલ પ્રકાશ જોશી (સામાજીક કાર્ય) ૧૦. તેરસિંગ લાડોલ (મેડિસિન)
૧૧. આનંદ મહિન્દ્રા (ઈન્ડસ્ટ્રી) ૧૨. એન. આર. માધવ મેનન ૧૩. મનોહર પારિકર (જાહેર સેવા)
૧૪. જગદીશ શેઠ ૧૫. પી.વી. સિંધુ (સ્પોર્ટ્સ)
૧૬. વેણુ શ્રીવાસ્તવ (ઈન્ડસ્ટ્રી)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter