અરુણાચલમાં સમયનું ચક્ર પાછું ફર્યુંઃ બરખાસ્ત સરકારને ફરી સત્તા મળશે

Thursday 14th July 2016 05:01 EDT
 
 

નવી દિલ્હીઃ ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારને ફરી એક વખત નીચાજોણું થયું છે. દેશની સર્વોચ્ચ અદાલતે બુધવારે અરુણાચલ પ્રદેશમાં નાબામ તુકીનાં નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારને હટાવવાની સમગ્ર પ્રક્રિયાને સંપૂર્ણપણે ગેરબંધારણીય ઠરાવી છે. આ સાથે જ કોર્ટે પોતાના ચુકાદામાં સમયનું ચક્ર પાછું ફેરવતાં ૭ મહિના જૂની કોંગ્રેસ સરકારને બહાલ કરવા માટે આદેશ આપ્યો છે. કોર્ટે ગવર્નર જ્યોતિપ્રસાદ રાજખોવાના એ નિર્ણયને પણ ગેરબંધારણીય ઠરાવ્યો છે જેમાં તેમણે વિધાનસભાનું સત્ર એક મહિના વહેલું યોજ્યું હતું. કોર્ટે રાજ્યપાલના ૯ ડિસેમ્બર, ૨૦૧૫નાં નોટિફિકેશનને રદ કર્યું છે.
આ સાથે જ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, અરુણાચલ પ્રદેશમાં ૧૫ ડિસેમ્બર, ૨૦૧૫ની સ્થિતિને લાગુ કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ પર આકરી ટિપ્પણી કરતાં પોતાના ચુકાદામાં જણાવ્યું કે, 'રાજ્યપાલનું કામ કેન્દ્ર સરકારના એજન્ટ તરીકે વર્તવાનું નથી. તેમણે બંધારણ મુજબ કામ કરવાનું હોય છે. ૯ ડિસેમ્બર બાદ અરુણાચલ એસેમ્બ્લીના તમામ નિર્ણયો રદ કરવામાં આવે છે.' ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ બોલાવવામાં આવેલા વિધાનસભા સત્રને પણ ગેરબંધારણીય જાહેર કર્યું છે.

ઐતિહાસિક ચુકાદો

કોઈ રાજ્યમાં વર્તમાન સરકાર હટાવીને જૂની સરકાર બહાલ કરવાનો સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો દેશના ઇતિહાસમાં પહેલી વાર બનેલી ઘટના છે. જસ્ટિસ જે. એસ. કેહરના નેતૃત્વ હેઠળની પાંચ જજની ખંડપીઠે ઐતિહાસિક ચુકાદામાં ટાંક્યુ હતુ કે, '૯ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ રાજ્યપાલે વિધાનસભા સત્ર ૧૪ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ બોલાવવાની જગ્યાએ ૧૬ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ બોલાવી લીધું હતું, જે આર્ટિકલ ૧૬૩નું ઉલ્લંઘન છે માટે આ નિર્ણયને અમાન્ય ઠેરવવામાં આવે છે. બીજું એ કે, ૧૬થી ૧૮ ડિસેમ્બર, ૨૦૧૫ સુધી ચાલેલા સત્રના છઠ્ઠા સેશનમાં કાર્યવાહી માટે રાજ્યપાલ દ્વારા આદેશ અપાયો છે તે પણ આર્ટિકલ ૧૬૩નું ઉલ્લંઘન છે. આથી આ નિર્ણયને પણ અમાન્ય ઠેરવવામાં આવે છે. ત્રીજું એ કે, રાજ્યપાલના ૯ ડિસેમ્બર, ૨૦૧૫ના આદેશ પર વિધાનસભા દ્વારા લેવામાં આવેલા તમામ નિર્ણયો અને પગલાંઓ રદ કરવામાં આવે છે.'

ચુકાદામાં ચોટદાર નિરીક્ષણ

• રાજ્ય સરકારોને પાડવા માટે અરુણાચલ પ્રદેશ જેવું એક્સ્પેરિમેન્ટ ઘાતક સાબિત થઈ શકે છે અને કોર્ટને અધિકાર છે કે સમયને પાછો લઈ જાય.
• વિધાનસભા સત્ર ૧૪ જાન્યુઆરીની જગ્યાએ ૧૬ ડિસેમ્બરે લઈ જવાથી શું ફરક પડશે? તેનો અર્થ એ થયો કે, રાજ્યપાલ જ્યારે ફરીથી બોર થવા લાગશે ત્યારે એક્સાઈટમેન્ટ માટે વિધાનસભા સત્ર બોલાવી લેશે.
• રાજ્યપાલનો તર્ક હતો કે, તેમના નિર્ણયો જ્યુડિશિયલ રિવ્યુ માટે નથી. આ અંગે જસ્ટિસ કેહરે જણાવ્યું, લોકશાહીની હત્યા થઈ રહી હોય તો કોર્ટ ચૂપ કેવી રીતે બેસી શકે?
• તમે બંધારણીય અધિકારોનો ત્યારે જ ઉપયોગ કરી શકો જ્યારે તેઓ બંધારણીય સિદ્ધાંતો પર આધારિત હોય. આ બંધારણીય સિદ્ધાંતો કયા છે? વિધાનસભા સત્રને વહેલું ખતમ કરી નાંખવું શું એ તમારા અધિકારો હેઠળ આવે છે?

જોકે કોંગ્રેસ માટે માર્ગ સરળ નથી

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભાજપના ૧૧ વિધાનસભ્યોના ટેકાથી મુખ્ય પ્રધાન બનેલા કોલિખો પુલે રાજીનામું આપવું પડશે, પરંતુ જો રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે બંને પક્ષોને બોલાવશે તો સત્તા હાંસલ કરવા માટે નબામ તુકીએ વિધાનસભામાં બહુમતી સાબિત કરવી પડશે, જે તેમના માટે ખૂબ મુશ્કેલ છે. કોલિખો પુલ ભાજપના ટેકાથી બહુમતી સાબિત કરી ફરીથી પોતાની સરકાર બનાવી શકે છે. આ સાથે જ, સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને રિવ્યૂ પિટિશન કરી શકે છે.

અરુણાચલ વિધાનસભા
(૨૦૧૪ની ચૂંટણી બાદ )
• કુલ બેઠકો ૬૦
• સ્પષ્ટ બહુમતી માટે જરૂરી બેઠક ૩૧
• કોંગ્રેસ ૪૨
• ભાજપ ૧૧
• અપક્ષ ૦૨
• પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ ૦૫
વિધાનસભામાં પ્રવર્તમાન સ્થિતિ
• કોંગ્રેસ ૨૬
• બળવાખોરો + ભાજપ + અપક્ષ - કુલ ૩૨


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter