નવી દિલ્હીઃ અર્નબ ગોસ્વામી આજકાલ નવી મુશ્કેલીમાં આવી ગયો છે. ધ રિપબ્લિકના આ સંપાદકે તાજેતરમાં જણાવ્યું હતું કે, મારા મિત્ર રાજદીપ સરદેસાઈની જેમ વર્ષ ૨૦૦૨ના ગુજરાત રમખાણોમાં તે હુમલાનો ભોગ બન્યા હતા. અર્નબે કહ્યું કે, તે કવરેજ કરી રહ્યા હતા ત્યારે મુખ્ય પ્રધાન નિવાસ નજીક જ ટોળાએ તેમના પર અને તેમની ટીમ પર હુમલો કરી દીધો હતો. પરંતુ અર્નબના પૂર્વ સાથી અને મીડિયાકર્મી રાજદીપ સરદેસાઈએ ટ્વિટર પર દાવો કર્યો છે કે, મારો મિત્ર અર્નબ દાવો કરી રહ્યો છે કે ગુજરાત રમખાણોમાં મુખ્ય પ્રધાનના નિવાસ નજીક જ તેની કાર પર હુમલો થયો હતો, પણ સચ્ચાઈ એ છે કે તે અમદાવાદ રમખાણોનું કવરેજ જ નહોતો કરી રહ્યો. ફેંકુગીરીની પણ એક હદ હોય છે. આ જોઈને મને મારા વ્યવસાય પ્રત્યે નિરાશા જન્મી છે.
હકીકત એવી છે કે સરદેસાઈ અને તેમની ટીમ પર ગાંધીનગર મુખ્ય પ્રધાનના નિવાસ નજીક હુમલો થયો હતો. સરદેસાઈએ પોતાના પુસ્તક ‘૨૦૧૪: ધ ઇલક્શન ધેટ ચેન્જ્ડ ઇન્ડિયા’માં આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે.