અલગતાવાદીઓ કાશ્મીરી નેતાઓ ઉમર અબ્દુલ્લા, મહેબૂબા, સજ્જાદ લોન, ઇમરાન અન્સારીની ધરપકડ

Wednesday 07th August 2019 05:57 EDT
 
 

નવી દિલ્હીઃ સંસદના બન્ને ગૃહોમાં જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ કરાયા પછી જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાને પોલીસ કસ્ટડીમાં લેવાયા છે.
આ ઉપરાંત જેએન્ડકે પીપલ્સ કોન્ફરન્સના અલગતાવાદી નેતાઓ સજ્જાદ લોન અને ઈમરાન અંસારીની પણ ધરપકડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે રવિવારે મોડી રાત્રે જ કાશ્મીરમાં અગ્રણી નેતાઓને નજરકેદ કરાયા હતા.
હાલ મહેબૂબાને ગેસ્ટ હાઉસમાં લઈ જવાયા છે. રાજ્યમાંથી કલમ ૩૭૦ હટાવાયાની દરખાસ્ત પછી કેન્દ્ર સરકારે આ પગલું ઉઠાવ્યું છે. મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકારના દરેક પગલા પર શરૂથી સવાલ ઉઠાવી રહ્યા છે.
રાજ્યમાં અધિક સુરક્ષા બળોને તૈનાત કરાતા અને સ્પેશિયલ એડવાઈઝરી જાહેર કરાયા પછી મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા સરકારના પગલાં પર સવાલ ઉઠાવી રહ્યા છે.
મહેબૂબા મુફ્તીએ સંસદમાં ૩૭૦ને રદ કરવા સંબંધિ જાહેરાતની થોડીક જ મિનિટોમાં ટ્વીટ કરી હતી.
પહેલી ટ્વીટમાં મુફ્તીએ કહ્યું કે ભારતીય લોકતંત્રનો સૌથી કાળો દિવસ છે. જમ્મુ-કાશ્મીરના નેતૃત્વે ૧૯૪૭માં ભારત સાથે જવાનો જે નિર્ણય લીધો હતો, તે ખોટો સાબિત થઈ ગયો. ભારત સરકાર દ્વારા કલમ ૩૭૦ હટાવવાનો નિર્ણય એકદમ ગેરકાયદે અને ગેરબંધારણીય છે.
બીજી બાજુ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ નિવેદન જાહેર કર્યું કે ભારત સરકાર દ્વારા કલમ ૩૭૦ હટાવવી જમ્મુ-કાશ્મીરના લોકો સાથે છેતરપિંડી છે.
તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરે ૧૯૪૭માં જે વિશ્વાસથી ભારત સાથે જોડાણ કર્યું હતું, આજે તે વિશ્વાસ તૂટી ગયો છે. ભારત સરકારના આ નિર્ણયના ભવિષ્યમાં ભયાનક દુષ્પરિણામ આવશે.
આ નિર્ણય લાગુ કરવા માટે ભારત સરકારે છેતરપિંડી કરી છે. ભારત સરકારના જમ્મુ-કાશ્મીરમાં પ્રતિનિધિઓએ અમને ખોટું કહ્યું કે કશું મોટું થવાનું નથી.

ફારુક અબ્દુલ્લાહ વિશે વારંવાર ચોખવટ

લોકસભામાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવા, જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ અને રાજ્યમાં આરક્ષણ અંગેના બિલ પર ચર્ચા મંગળવારે સોશિયલ મીડિયા પર છવાયેલી રહી. આ ચર્ચા વચ્ચે ગૃહ પ્રધાન અમિત શાહે અનેક વખત સ્પષ્ટતા આપી કે ફારુક અબ્દુલ્લાહને નજરકેદ કરવામાં નથી આવ્યા.
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ ફારુક અબ્દુલ્લાહ શ્રીનગરના સંસદસભ્ય છે અને આ ચર્ચામાં તેઓ સામેલ નહોતા થયા.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા સુપ્રિયા સુલેએ ચર્ચામાં ભાગ લેતા કહ્યું કે: ‘ફારુક અબ્દુલ્લાહને લોકસભામાં તેમની બાજુની બેઠક આપવામાં આવી છે અને આજે તેઓ હાજર નથી એટલે ‘કાશ્મીરના અવાજ’ વગર આ ચર્ચા અધૂરી રહી જશે.’
તેમણે પીડીપી નેતા મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સ નેતા ઓમર અબ્દુલ્લા વિશે પણ ચિંતા જાહેર કરી હતી. એ સિવાય કોંગ્રેસના નેતા શશિ થરુરે પણ ચર્ચામાં ફારુક અબ્દુલ્લાના સામેલ ન થવાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter