અલવરઃ ડેરાના વડા રામરહીમની ઐયાશી અને અનેક યુવતીઓ પર બળાત્કારની ઘટનાની દેશભરમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે રાજસ્થાનનાં અલવરમાં ફળાહારી બાબાના આશ્રમમાં યુવતી પર બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે. બિલાસપુરમાં જગદ્ગુરુ રામાનુજાચાર્ય સ્વામી કૌશલેન્દ્ર પ્રપન્નાચારી ફળાહારી મહારાજ સામે ફરિયાદ કરતાં પોલીસ અલવર પહોંચી હતી. લો ગ્રેજ્યુએટ યુવતીએ બાબા સામે બિલાસપુરમાં ફરિયાદ નોંધાવી છે. બળાત્કારનો કેસ થતાં જ ઢોંગી બાબાની તબિયત લથડી પડી છે અને ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ થઈ ગયા છે. યુવતીએ આરોપ મૂક્યો છે કે બાબા આશ્રમમાં તેમના સિક્રેટ રૂમમાં જ રાત ગાળે છે.
બીભત્સ વાતો પછી રેપ
બાબાએ રૂમનો દરવાજો બંધ કરીને યુવતી સાથે અશ્લિલ વાતો કરીને છેડછાડ કરી હતી. આ પછી તેના પર રેપ કર્યો હતો. એવું પીડિતા જણાવે છે. છત્તીસગઢ પોલીસે યુવતીનાં કપડાં કબજે લીધાં છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલી અપાયાં છે.
પેણ્ડ્રામાં ૩ એકર જમીન પર આશ્રમ
બાબા બિલાસપુર નજીક પેણ્ડ્રામાં ૩ એકર જમીનમાં આશ્રમ ધરાવે છે. અહીં તેના ૧૦,૦૦૦ ફોલોઅર્સ છે. બાબા જે ગુપ્ત રૂમમાં રાત્રિ ગાળે છે તેને ગુરગદ્દી નામ આપવામાં આવ્યું છે.
બાબાના ચમત્કારોની પોલ ખૂલી
બાબા પોતે અનેક ચમત્કારો કરવાના દાવો કરે છે. એકેય દાવો સાચો પડ્યો નથી. આમ તેના દાવાની પોલ ખૂલી જતાં હજારો અનુયાયીઓ હવે તેમનો સાથ છોડી રહ્યા છે. આશ્રમમાં પહેલાં જે પૂજારી હતો તે પણ દુષ્કર્મી હોવાનું જાણવા મળે છે.