અશાંત માહોલમાં પાંચમો તબક્કો પૂરોઃ કાશ્મીરમાં વિસ્ફોટ, બંગાળમાં હિંસા

Wednesday 08th May 2019 05:17 EDT
 
 

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનાં પાંચમા તબક્કામાં સોમવારે ૭ રાજ્યોમાં ૫૧ બેઠકો માટે ૬૩.૦૫ ટકા મતદાન થયું હતું. કાશ્મીરનાં પુલવામા, પશ્ચિમ બંગાળનાં બરાકપોર, બાંગાવ અને હુગલી તેમજ બિહારના સારણમાં હિંસક ઘટનાઓ નોંધાઈ હતી. અન્ય મતવિસ્તારોમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.
પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ તેમજ રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં ઈવીએમ બગડ્યાની વ્યાપક ફરિયાદો નોંધાઈ હતી. અમેઠીમાં ભાજપનાં ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સામે બૂથ કેપ્ચરિંગ કરાવ્યાની ફરિયાદ કરી હતી અને એક વૃદ્ધ મહિલા મતદારનો વીડિયો જાહેર કર્યો હતો. મતદાન પૂર્ણ થતાંની સાથે જ ૬૭૪ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઈ ગયું હતું. આ સાથે જ લોકસભાની ૫૪૨ સીટ પૈકી ૪૨૪ સીટ પર મતદાન પૂર્ણ થયું છે. તામિલનાડુની વેલ્લોર સીટ પર પૈસાની વહેંચણીની ઘટનાને પગલે ત્યાં મતદાન રદ કરાયું છે.
કાશ્મીરનાં પુલવામામાં મતદાન વખતે જ બે બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. શોપિયામાં ભાટનૂરમાં પણ બોમ્બ બ્લાસ્ટની ઘટના નોંધાઈ હતી. જોકે ત્યાં કોઈને ઈજા થયાના અહેવાલ નથી. કાશ્મીરમાં લદાખ અને અનંતનાગની સીટ પર મતદાન યોજાયું હતું.
પુલવામાના રોહમૂ અને ચટપોરા પોલિંગ બૂથ પર ગ્રેનેડ ફેંકાયો હતો. બપોરે ફરી ૧.૩૦ કલાકે બીજો બોમ્બ બ્લાસ્ટ કરાયો હતો. જોકે આમાં કોઈને ઈજા કે જાનહાનિ થયાનાં અહેવાલ નથી. પુલવામામાં કોંગ્રેસ અને પીડીપીનાં કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી.

ક્યા રાજ્યમાં કેટલું મતદાન?

ચૂંટણી પંચના પ્રાથમિક અહેવાલ અનુસાર, ઉત્તર પ્રદેશમાં ૫૭.૯૩ ટકા, રાજસ્થાનમાં ૬૩.૭૨ ટકા, પશ્ચિમ બંગાળમાં ૭૪.૪૨ ટકા, મધ્ય પ્રદેશમાં ૬૬.૬૪ ટકા, બિહારમાં ૫૭.૭૬ ટકા, ઝારખંડમાં ૬૫.૧૨ ટકા અને જમ્મુ-કાશ્મીરમાં ૧૯.૫૫ ટકા મતદાન થયું છે.

કયા દિગ્ગજોનું ભાવિ સીલ?

પાંચમા તબક્કાના મતદાનમાં ભાજપનાં ગૃહ પ્રધાન રાજનાથ સિંહ સામે સમાજવાદી પાર્ટીના પુનમ સિંહા, કોંગ્રેસના સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની, પીડીપીનાં મહેબુબા મુફતી, રાજીવ પ્રતાપ રૂડી, લાલુ પ્રસાદના વેવાઈ આરજેડીના ચંદ્રિકા રાય, ભાજપનાં રાજ્યવર્ધનસિંહ રાઠોડ સામે ક્રિષ્ના પુનિયા અને ઝારખંડમાંથી ભાજપના જયંત સિંહાનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter