પહલગામઃ ‘સ્વર્ગની શોધમાં પહલગામ પહોંચ્યા હતા, પરંતુ મંગળવારે બપોરે જ્યારે બંદુકો ગર્જી અને લાશો પડવા લાગી ત્યારે અહેસાસ થયો કે આપણામાંથી કોઈ બચશે નહીં. પરંતુ ગોળીબાર વચ્ચે દુકાનદાર અને ખચ્ચરવાળા ફરિશ્તા બનીને આવ્યા અને હોસ્પિટલ પહોંચાડ્યા.’ આ શબ્દો છે છે ગુજરાતના 60 વર્ષીય વિનયભાઈના.
વિનયભાઈ ભાવનગરથી 20 લોકો સાથે આવ્યા હતા. તેઓ મંગળવારે બપોરનું ભોજન એક લોકલ રેસ્ટોરન્ટમાં જમ્યાં પછી 3 કિમીનું ચઢાણ કરવા બૈસરન પહોંચ્યા હતા. સરકારી મેડિકલ કોલેજ અનંતનાગમાં ભરતી વિનયભાઇએ કહ્યું કે અમે જેવી બૈસરનમાં એન્ટ્રી ટિકિટ ખરીદી, ત્યારે જ ગોળીઓ ચાલવા લાગી. લોકો બૂમાબૂમ કરીને ભાગવા લાગ્યા. હું પણ ભાગ્યો પરંતુ એક ગોળી કોણીમાં વાગી. હું 10 મિનીટ સુધી જમીન પર પડી રહ્યો.’
કાશ્મીરી ટેક્સી ડ્રાઇવરે હુમલા પછી લોકોને બચાવ્યાં
મહારાષ્ટ્રથી પહલગામ ફરવા ગયેલા એક પરિવારે વીડિયો જાહેર કરી જણાવ્યું કે આતંકી હુમલામાં કાશ્મીર ટેક્સી ડ્રાઇવર આદિલે હુમલા પછી તેમને શરણ આપ્યું હતું. તેનાથી તેમના પરિવારનો જીવ બચ્યો. આદિલે ભોજન પણ પુરું પાડયું હતું. આ વીડિયોમાં આદિલ કહે છે કે પહલગામ હુમલો માનવતાની હત્યા છે. આ હુમલા પછી આખું કાશ્મીર બદનામ થઇ ગયું. અમારો વ્યવસાય ગયો, અમારી અર્થવ્યવસ્થા પર ઘાત આવશે. સંપૂર્ણ માનવતા શરમથી ડૂબેલી છે. ભૂલ આતંકીઓની છે. સજા કાશ્મીર ભોગવશે.
કાપડના વેપારીએ છત્તીસગઢના 11 પ્રવાસીને બચાવ્યાં
પહલગામ હુમલામાં છત્તીસગઢના ચિરમીરીના 4 પરિવારના 11 લોકો પણ ફસાઈ ગયા હતા. જેમાં 3 બાળકો સામેલ હતા. તેઓ 21 એપ્રિલે પહલગામ પહોંચ્યા હતા. જેમાં શિવાંશ જૈન, હૈપ્પી વાધવાન, અરવિંદ અગ્રવાલ અને કુલદીપ સામેલ છે. હુમલાના સમયે બધા લોકો પહલગામમાં જ હતા. શિવાંશ જૈને જણાવ્યું કે ભૂ-સ્ખલનના કારણે રસ્તા પર જામ હતો. ત્યારે અચાનક ફાયરિંગ શરૂ થઈ ગયું. લોકો આમતેમ ભાગવા લાગ્યા. આ દરમિયાન સ્થાનિક કાશ્મીરી વેપારી નજાકત અલીની મદદથી બધા ઘટનાસ્થળથી સુરક્ષિત બહાર નીકળી ગયા. નજાકત અલી શિયાળામાં ચિરમીરીમાં ગરમ કપડા વેચે છે.
મસ્જિદો-ગુરુદ્વારાના દરવાજા પ્રવાસીઓ માટે ખોલાયા
હુમલા પછી કાશ્મીરમાં ફસાયેલા લોકોની મદદ માટે સામાન્ય કાશ્મીરી આગળ આવ્યા હતા. મસ્જિદ અને ગુરુદ્વારાઓએ પ્રવાસીઓ માટે દરવાજા ખોલી દીધા હતા. લોકોને રસ્તા પર ભોજન-પાણીની સાથે સાથે પોતાના ઘરોમાં પણ શરણ આપી રહ્યાં હતા. શ્રીનગરમાં ગુરુદ્વારા કમિટીએ લંગર સેવા શરૂ કરી હતી. સોશિયલ મીડિયા પર તેમણે અપીલ કરી હતી કે જો તમે કાશ્મીરમાં ક્યાંય પણ ફસાયેલા છો, તો નજીકના ગુરુદ્વારાનો સંપર્ક કરો.