આ દિવાળીએ અયોધ્યામાં 21 લાખ દીવડાંનો દીપોત્સવ

Saturday 01st July 2023 11:48 EDT
 
 

અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચાલુ વર્ષે અયોધ્યામાં દીપોત્સવ દરમિયાન 21 લાખ દીવા પ્રગટાવવાનું લક્ષ્ય રાખ્યું હોવાનો નિર્દેશ કરતાં કહ્યું હતું કે, આવતા વર્ષે પ્રભુ શ્રીરામ પોતાના મંદિરમાં વિરાજશે, તેથી એક મોટું આયોજન કરવા માટે અત્યારથી કામની શરૂઆત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી યોગીએ અયોધ્યાના વિકાસ માટે લગભગ 2000 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા બાદ એક જનસભામાં કહ્યું કે, આ વર્ષે અયોધ્યામાં દીપોત્સવના અવસરે 21 લાખ દીવા પ્રજ્વલિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવે. એમણે કહ્યું, રામજી કી પૌડી, સૂરજકુંડ, ભરતકુંડ સહિત બધાં મંદિરો, ઘાટો પર દીપ પ્રગટાવવા માટે અત્યારથી તૈયારી શરૂ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઓક્ટોબરમાં અયોધ્યામાં દીપોત્સવ વખતે 15.76 લાખ દીવા પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. અયોધ્યામાં હાલના સમયે લગભગ 32 હજાર કરોડ રૂપિયાના વિકાસકાર્ય ચાલી રહ્યા છે. આટલી બધી પરિયોજના દેશના કોઈ એક નગર કે જિલ્લામાં નથી ચાલતી. હાલ અયોધ્યામાં ચાલતા વિકાસકાર્યોના લીધે લોકોને તકલીફ પડતી હશે, પરંતુ કોઈ મોટું લક્ષ્ય હાંસલ કરવા માટે પ્રારંભિક મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવો પડે છે. અહીંના લોકોનો પુનર્વાસ કરવામાં આવશે.

અયોધ્યાના માર્ગો રાજપથ જેવા બનશે
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, આગામી ચાર-છ મહિનામાં અયોધ્યાના માર્ગો રાજપથ જેવા દેખાશે અને અહીં આંતરરાષ્ટ્રીય વિમાનમથક પણ ચાલુ વર્ષે જ તૈયાર થઈ જશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ એ જ અયોધ્યા છે. જેનું છ વર્ષે પહેલા લોકો નામ લેવામાં સંકોચ અનુભવતા હતા. આજે અહીં સૂરજકુંડ, ગુપ્તારઘાટ, ભરતકુંડ સહિત અનેક સ્થળ વિકસિત થઈ રહ્યા છે. જે આને દુનિયાની સૌથી સુંદર નગરી બનાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter