આ રહે હૈ પીએમ નરેન્દ્ર મોદી દોબારા, અબ કોઈ રોક નહીં શકતા

Thursday 23rd May 2019 06:08 EDT
 
 

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીની બાયોપિકના પોસ્ટરમાં ટેગલાઇન છેઃ ‘આ રહે હૈ પીએમ નરેન્દ્ર મોદી દોબારા, અબ કોઈ રોક નહીં શકતા’. મોદીનું જીવનકથન રજૂ કરતી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ રિલીઝ તો આવતીકાલ - શુક્રવારે થઇ રહી છે, પરંતુ તેના શબ્દો આજે જ ગુરુવારે યથાર્થ પુરવાર થઇ ગયા છે. ૧૭મી લોકસભા માટે સવારથી શરૂ થયેલી મતગણતરીના પરિણામો જેમ જેમ જાહેર થઇ રહ્યા છે તેમ તેમ ભાજપ સત્તાના સિંહાસન ભણી મક્કમતા સાથે આગળ વધતો જોવા મળી રહ્યો છે. પ્રાથમિક તારણ અનુસાર ભાજપ અને સાથી પક્ષોનો મોરચો એનડીએ ૩૫૦ કરતાં વધુ બેઠકો મેળવશે. જ્યારે કોંગ્રેસને ૫૦ આસપાસ બેઠકો મળવાનો અંદાજ છે. ભાજપના ભવ્ય વિજયના શિલ્પી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુરુવારે બપોરે પક્ષના વડા મથકે પહોંચ્યા ત્યારે તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભાજપ-એનડીએને એક્ઝિટ પોલના તારણ અનુસાર પ્રચંડ બહુમતી મળશે? શું મોદી સરકાર ફરી એક વખત સત્તાના સિંહાસને બિરાજશે? કોંગ્રેસ - મહાગઠબંધન સહિત વિપક્ષના સૂપડાં સાફ થઇ જશે? સહિતના અનેક પ્રશ્નોના જવાબ આજે મળી ગયા છે. ભારતીય મતદારોએ મોદી સરકારને ફરી એક વખત - પ્રચંડ બહુમતી સાથે - સત્તાના સૂત્રો સંભાળવાનો રસ્તો મોકળો કરી આપ્યો છે. ૧૭મી લોકસભા ચૂંટણી માટેની મતગણતરી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર સત્તાના સૂત્રો સંભાળવા આગળ વધી રહી છે. દેશભરમાં ભાજપનો ભગવો લહેરાઇ રહ્યો છે તો કોંગ્રેસ સહિતનો વિપક્ષ લગભગ રકાસ થયો છે.

મોદીનું ટ્વીટઃ વિજયી ભારત

ચૂંટણી પરિણામોમાં જ્વલંત સફળતાના સંકેત મળતાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતુંઃ સબકા સાથ + સબકા વિકાસ + સબકા વિશ્વાસ = વિજયી ભારત... ભાજપના વિજયના અહેવાલો સાથે જ વિશ્વના નેતાઓ નરેન્દ્ર મોદીને અભિનંદનના સંદેશ પાઠવવા લાગ્યા છે. 

વિશ્વભરમાંથી અભિનંદનની વર્ષા

ચીનના ભારત ખાતેના રાજદૂત લ્યુઓ ઝોહુકીએ પ્રમુખ શી જિનપિંગનો મોદીને વિજય બદલ અભિનંદન આપતો પત્ર ટ્વીટ કર્યો છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ મેરે દોસ્ત નરેન્દ્ર મોદી અભિનંદન કહીને શુભેચ્છા પાઠવી હતી.
આ ઉપરાંત રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલા સિરિસેના, ભૂતાનના વડા પ્રધાન લોતાય ત્સેરિંગ, અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ઘાની, ઇન્ડોનેશિયાના વડા પ્રધાન જોકોવી, યુનાઇટેડ રિપબ્લિક ઓફ ટાન્ઝાનિયા ડો. જ્હોન મગુફલી, નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી, પોર્ટુગલના વડા પ્રધાન એન્ટોનિયો કોસ્ટા, શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે, માલદિવ્સના પ્રેસિડેન્ટ ઇબ્રાહિમ મોહમ્મદ સોલીહ વગેરેએ ટ્વીટ કરીને વડા પ્રધાનને અભિનંદન આપ્યા હતા.

વિપક્ષના જૂઠ સામેનો વિજયઃ અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરતાં લખ્યું હતુંઃ ‘આ પરિણામ વિપક્ષો દ્વારા કરવામાં આવેલા કુપ્રચાર, જૂઠ, વ્યક્તિગત આક્ષેપ અને પાયાવિહોણી રાજનીતિ વિરુદ્ધ ભારતનો જનાદેશ છે. આજનો જનાદેશ એ પણ દર્શાવે છે કે ભારતની જનતાએ દેશને જાતિવાદ, પરિવારવાદ અને તુષ્ટિકરણને સંપૂર્ણ રીતે ઉખાડી ફેંકીને વિકાસવાદ અને રાષ્ટ્રવાદને પસંદ કર્યો છે.’
યોગી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે નકારાત્મક રાજનીતિ કોંગ્રેસ, સપા-બસપાએ કરી છે. જનતાએ તેમને નકાર્યા છે. મોદીની વિકાસ અને રાષ્ટ્રવાદની રાજનીતિને સમર્થન મળ્યું છે. જાતિવાદ અને પરિવારવાદનું રાજકારણ હવે સમાપ્ત થઈ ગયું છે.’

લોકોને ઈવીએમ અંગે શંકા છે: પવાર

બીજી તરફ, એનસીપીના શરદ પવારે પરિણામો અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે હું લોકોના ચુકાદાને આવકારું છું, પરંતુ એ વાત પણ છે કે લોકોને ઈવીએમ અંગે શંકા છે. કોંગ્રેસે રાજીવ ગાંધીના સમયમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું, ત્યારે કોઈએ ચૂંટણીઓ પર શંકા કરી ન હતી. અટલ બિહારી વાજપેયી ચૂંટણી જીત્યા ત્યારે પણ કોઈએ શંકા કરી ન હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter