નવી દિલ્હી: ભારતે હવે ચંદ્ર પર ડગ માંડી દીધાં છે પણ સાથે સાથે આ પગલું સમગ્ર માનવજાતની સફળતા છે એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચન્દ્રયાન-૩એ ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યા બાદ જણાવ્યું હતું. વડાપ્રધાને જાહેર કર્યું હતું કે હવે શુક્ર તથા સૂર્યનું મિશન આપણું ધ્યેય છે. જ્હોનિસબર્ગથી ઇસરોના વિજ્ઞાનીઓને વર્ચ્યુઅલ સંબોધન કરતાં વડાપ્રધાને કહ્યું હતં કે ભારતે પૃથ્વી પર એક સંકલ્પ કર્યો હતો અને હવે ચંદ્ર પર પહોંચીને તે પરિપૂર્ણ કર્યો છે. આ ક્ષણ આપણે શાશ્વત સમય સુધી વધાવતાં રહેશું એમ કહેતાં વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે ભારત ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર પહોંચ્યું છે જ્યાં અત્યાર સુધી બીજા કોઈ દેશે ખેડાણ કર્યું નથી. તેમણે કહ્યું હતું કે ભારતનું સફળ મૂન મિશન માત્ર ભારતનું નથી. વસુધૈવ કુટુમ્બકમ અને સમગ્ર માનવજાતનાં સમાન ભાવિના આપણા નારાનો સમગ્ર વિશ્વમાં પડઘો પડી રહ્યો છે. મૂન મિશન પણ એ જ માનવકેન્દ્રી અભિગમ પર આધારિત છે. આથી, આ સમગ્ર માનવજાતની સફળતા છે. વડાપ્રધાને એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે આજે ભારત જ્યારે જી20 રાષ્ટ્રસમૂહનું નેતૃત્વ કરી રહ્યું છે તેવા સમયે જ આ પ્રચંડ સફળતા પ્રાપ્ત થઈ છે.
તેમણે કહ્યું હતું કે ચન્દ્રયાન-૩ નું ચન્દ્ર પર ઉતરાણ એ ઐતિહાસિક ક્ષણ છે અને તે સાથે એક વિકસિત ભારતનો શંખનાદ થયો છે. આપણે ભારતની નવી ઉન્નતિનાં સાક્ષી બની રહ્યાં છીએ. એક નવો ઈતિહાસ આલેખાઈ રહ્યો છે. આપણી સામે આવો ઈતિહાસ રચાઈ રહ્યો હોય ત્યારે આપણું જીવન ધન્ય બની જાય છે. આ ક્ષણ અદભૂત અને અવિશ્વસનીય છે. આ ભારતનાં ઉદયમાન ભાગ્યનું આહ્વવાન છે.
ચંદ્રને લગતી બધી કથાઓ હવે બદલાઇ જવાની છે. આપણે ચંદ્રને ચાંદામામા કહેતા હતા. આપણને કહેવાતું હતું કે ચાંદા મામા બહુ દૂર છે. પરંતુ, ભવિષ્યની પેઢી કહેશે કે ચાંદા મામા તો માત્ર એક ટૂરનાં અંતરે છે. હવે આપણે સૂર્ય પર સંશોધન માટે આદિત્ય વનની તૈયારીઓ કરી રહ્યા છીએ. એ પછી આપણે શુક્ર પર પહોંચવાની તૈયારીઓ પણ કરશું. આપણે ગગનયાન મિશન પણ હાથ ધર્યું છે.