નવી દિલ્હીઃ ધ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) કોરોના મહામારી પછી આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીને સુરક્ષિત રીતે શરૂ કરવા આગામી વર્ષના પ્રારંભે ડિજિટલ હેલ્થ સર્ટિફિકેટ ‘IATA ટ્રાવેલ પાસ’નું ટ્રાયલ વર્ઝન લોન્ચ કરવા તૈયારી કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આફ્રિકા જતા પેસેન્જર્સ માટે ‘યલો ફીવર’નું સર્ટિફિકેટ ફરજિયાત છે. આ જ પ્રકારે જાન્યુઆરીથી IATA ટ્રાવેલ પાસ ઇશ્યૂ કરાશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ટ્રાવેલ પાસ મુસાફર માટે કોરોના વાઇરસ સંબંધી તમામ જરૂરિયાત અને નિયંત્રણોની માહિતી માટે મુખ્ય સ્રોત બનશે એવો અંદાજ છે. તેમાં વિશ્વભરની એરલાઇન્સ અને બોર્ડર ઓફિસર્સને બતાવવા માટે જરૂરી ટેસ્ટિંગ સંબંધી તમામ માહિતી હશે.
ફેડરેશન ઓફ એસોસિએશન્સ ઇન ઇન્ડિયન ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી (FAITH)ના માનદ્ જનરલ સેક્રેટરી સુભાષ ગોયલે જણાવ્યું હતું કે, ‘ટ્રાવેલ પાસ બધા માટે સમાન હેલ્થ સર્ટિફિકેટનું કામ કરશે. તે સરકાર, એરલાઇન્સ, એક્રેડિટેડ લેબોરેટરીઝ અને મુસાફરોને સ્વીકાર્ય હશે અને તેને લીધે આંતરરાષ્ટ્રીય મુસાફરી પ્રમાણમાં સરળ બનશે.’
IATAએ જણાવ્યું હતું કે, ‘લોકોને ક્વોરેન્ટાઇન કર્યા વગર આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે સરહદો ખુલ્લી મૂકવા ટ્રાવેલ પાસ જરૂરી છે. સરકાર અન્ય દેશોની ફ્લાઇટ્સ શરૂ કરે એ પહેલાં તેને ખાતરી હોવી જોઇએ કે, ફ્લાઇટ્સમાં આવનારા પેસેન્જર્સ દેશમાં સંક્રમણ નહીં ફેલાવે.’ IATAના જણાવ્યા અનુસાર આ હેલ્થ ઇ-પાસને કારણે પેસેન્જર્સના કોવિડ-૧૯ સ્ટેટસની ચોક્કસ માહિતી મળી શકશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટુરિઝમ અને ટ્રાવેલ ઉદ્યોગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને જે તે દેશની નિર્ધારિત ફ્લાઇટ્સ શરૂ કરવા માંગણી કરી છે.


