નવી દિલ્હીઃ ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માગણી સાથે ખેડૂત આંદોલનને ૭૫ જેટલા દિવસ થઈ ગયા છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાજ્યસભામાં ખેડૂતોને ખાતરી આપી હતી કે દેશમાં કૃષિ પેદાશો મામલે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ (MSP)ની પ્રથા ચાલુ હતી, MSP ચાલુ છે અને MSPની સિસ્ટમ ચાલુ રહેશે. આ સાથે મોદીએ ખેડૂતોને આંદોલનનો અંત લાવવા અપીલ કરી હતી.
ખેડૂતોને ઉકેલ લાવવા માટે અનુરોધ
રાજ્યસભામાં રાષ્ટ્રપતિનાં ભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચાના જવાબમાં મોદીએ ખેડૂતોને મંત્રણાઓ યોજીને સમસ્યાનો ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગૃહમાં ફક્ત આંદોલનની વાત થઈ હતી. સુધારા પર ચર્ચા થઈ નથી.
શાસ્ત્રીજીને પણ મુશ્કેલી પડી હતી
મોદીએ કહ્યું કે, લાલ બહાદુર શાસ્ત્રીને જ્યારે કૃષિ સુધારા કરવા પડયા ત્યારે તેમણે પણ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. તેઓ પાછા હટયા ન હતા. તે વખતે ડાબેરીઓ કોંગ્રેસને અમેરિકાનાં એજન્ટ કહેતા હતા. આજે તેઓ મને ગાળો આપી રહ્યા છે.
વિપક્ષો પર પ્રહારો કરતા મોદીએ કહ્યું કે, તમામ પ્રકારની ગાળોને મારા ખાતામાં જવા દો, પણ કૃષિ ક્ષેત્રે સુધારાને આગળ ધપવા દો. હજી સમાધાનનાં દરવાજા બંધ કર્યાં નથી. દેશની તમામ મંડીઓ અને એપીએમસીને વધારે મજબૂત કરવાનાં પગલાં લેવાશે. દેશની ૮૦ કરોડ જનતાને સસ્તામાં રેશનિંગનું અનાજ આપવાનું પણ ચાલુ રખાશે. મોદીએ એક તબક્કે શીખોનાં વખાણ કર્યાં હતાં તેમજ ચૌધરી ચરણસિંહની કિસાન તરફી નીતિઓની પ્રશંસા કરી હતી. મોદીએ જણાવ્યું કે, નવી FDI એટલે કે ફોરેન ડિસ્ટ્રિક્ટિવ આઈડિયોલોજી પણ જોવા મળી રહી છે, આનાથી દેશને બચાવવા આપણે જાગૃત થવાની જરૂર છે. મોદીએ કહ્યું કે દેશમાં આંદોલનજીવીની નવી બિરાદરી સામે આવી છે. શ્રમજીવી અને બુદ્ધિજીવીઓ તો ઘણા જોયા પણ આ આંદોલનજીવીઓ વકીલો, વિદ્યાર્થીઓ, કિસાનો, મજૂરો એમ તમામ લોકોનાં આંદોલનમાં જોવા મળે છે. તેઓ આંદોલન વિના જીવી શકતા નથી. આપણે સૌએ તેમને ઓળખવા પડશે. આવા તમામ આંદોલનકારીઓ પરજીવી છે.
વિદેશમાંથી એક નવી FDI જોવા મળી
મોદીએ કહ્યું કે દેશ પ્રગતિ કરી રહ્યો છે. આપણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ છીએ ત્યારે વિદેશમાંથી એક નવી FDI જોવા મળી રહી છે. આ નવી FDI – ફોરેન ડિસ્ટ્રિક્ટિવ આઈડિયોલોજી છે. આનાથી દેશને બચાવવા આપણે જાગૃત થવાની જરૂર છે. મોદીએ આમ કહીને ક્લાઇમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ તેમજ પોપ સિંગર રિહાના તરફ ઇશારો કર્યો હતો.


