આંધ્ર, ઓડિશા, અરુણાચલ અને સિક્કિમમાં લોકસભા સાથે વિધાનસભા ચૂંટણી

Tuesday 12th March 2019 11:13 EDT
 
 

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે રવિવારે લોકસભા ચૂંટણી જાહેર કરવાની સાથે જ આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમ વિધાનસભાઓની ચૂંટણી પણ યોજવાની ઘોષણા કરી છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી એક સાથે નહીં યોજાય.
મુખ્ય ચૂંટણી કમિશનર અરોરાએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં માત્ર લોકસભા ચૂંટણી યોજાશે. લોકસભા ચૂંટણી પછી વિધાનસભા ચૂંટણી માટે સુરક્ષાની સ્થિતિનો તાગ મેળવવા માટે ત્રણ સભ્યોની એક પેનલ રચાશે. આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ૧૭૫ બેઠકો પર, અરુણાચલમાં ૬૦ બેઠકો પર, ઓડિશામાં ૧૪૭ અને સિક્કિમમાં ૩૨ વિધાનસભા બેઠકો પર લોકસભાની સાથે જ ચૂંટણી યોજાશે. જેમાં આંધ્ર પ્રદેશ વિધાનસભા ટર્મ ૧૮ જૂને, અરુણાચલ પ્રદેશમાં ૧ જૂને, ઓડિશામાં ૨૪ મે અને સિક્કિમમાં ૨૭ મેના રોજ વિધાનસભા ટર્મ પૂરી થઇ રહી છે.
અરોરાએ કહ્યું હતું, ‘ચૂંટણી પંચે હાલમાં જ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. ત્યાં સુરક્ષા દળોની સંખ્યા અને હાલની હિંસક ઘટનાઓનાં કારણે વિધાનસભા ચૂંટણી નહીં યોજાય.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter