આંધ્રના નેતા જગન મોહન રેડ્ડીની રૂ. ૭૪૯ કરોડની સંપત્તિ જપ્ત

Thursday 30th June 2016 04:11 EDT
 
 

નવી દિલ્હીઃ ભારત સરકારના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વાય. એસ. રાજશેખર રેડ્ડીના પુત્ર જગન મોહન રેડ્ડીની આશરે ૭૪૯ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જગન રેડ્ડીને સંડોવતા મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા ઊંડાણભરી તપાસ હાથ ધરાયા બાદ આ પગલુ ભરવામાં આવ્યું છે. આ કેસમાં સીબીઆઇ દ્વારા ચાર્જશીટ દાખલ થયા બાદ ઇડીએ તપાસ હાથ ધરી હતી. તપાસમાં દાવો કરાયો છે કે જગન મોહન રેડ્ડીએ અન્યોની સાથે મળીને ગુનાહિત કાવતરુ રચ્યું હતું અને મેસર્સ ભારતી સિમેન્ટ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડના નામે ખાણ-ખોદકામની લીઝ ફાળવી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જારી એક નિવેદનમાં જણાવાયું છે કે જગન મોહન રેડ્ડીને વિવિધ લોકો અને કંપનીઓ પાસેથી પોતાના સમૂહની કંપનીઓમાં રોકાણના નામે લાંચ મળી હતી. આ લાંચ તેમને આંધ્ર પ્રદેશની તત્કાલીન વાય. એસ. રેડ્ડી સરકાર થયેલા લાભના બદલામાં ચૂકવાઇ હતી. આ સમગ્ર મામલાની તપાસ સીબીઆઇ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સીબીઆઇએ ચાર્જશીટ દાખલ કરી તે બાદ ઇડીએ સમગ્ર મામલાની તપાસ કરી હતી. અને હવે જગન મોહન રેડ્ડીની ૭૪૯.૧૦ કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કરાઇ છે.
તપાસમાં એજન્સીને વધુમાં જાણવા મળ્યું છે કે જગને પોતાના સમૂહની કંપનીઓના માધ્યમથી આ લાંચના અપરાધને અંજામ આપ્યો હતો. ઇડીએ જે ૭૪૯ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે તેમાં જગન રેડ્ડીના નામે રહેલ બંજારા હિલ્સસ્થિત લોટસ પાઉંડ બિલ્ડિંગ, સાક્ષી ટાવર, બેંગલૂરુ સ્થિત મિનિસ્ટર એટ કોમર્સ બિલ્ડિંગ તેમજ જગનના નામે અન્ય કંપનીઓમાં જે કંઇ પણ રોકાણ હશે તે અને તેના શેર જપ્ત કરી લેવાયા છે.
બીજી તરફ, ઇડીએ અત્યાર સુધીમાં જે તપાસ કરી તેના પરથી એક અંદાજ લગાવ્યો છે કે જગન મોહન રેડ્ડીએ આશરે ૫,૦૦૦ કરોડ રૂપિયાનો ફાયદો મેળવ્યો છે. જેમની પાસેથી ઇન્વેસ્ટમેન્ટ મળ્યું છે તેમાં દાલમિયા સિમેન્ટ્સ લિમિટેડના એમ.ડી. પુનિત દાલમિયા, વીએનપીઆઇસી ગ્રૂપ કંપનીઝના નિમાગદ્દા પ્રસાદ, ઇન્ડિયા સિમેન્ટ્સ લિમિટેડના એમડી એન. શ્રીનિવાસનનો સમાવેશ થાય છે.
ઇડીની તપાસમાં જણાવવામાં આવ્યું છે કે જગનના પિતા વાય. એસ. રેડ્ડી ૨૦૦૪માં આંધ્રના મુખ્ય પ્રધાન બન્યા તે પહેલા જગનને કોઇ જ પ્રકારનું રોકાણ નહોતુ મળ્યું. તેમના પિતાના મુખ્ય પ્રધાન બન્યા બાદ જ રોકાણ મળવા લાગ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter