આઇ ઇન ધ સ્કાયઃ ભારતના સૌથી ભારે ઉપગ્રહ ચીન-પાક.ની સરહદ પર નજર રાખશે

Wednesday 09th September 2026 09:04 EDT
 
 

બેંગલૂરુ-મુંબઈઃ  ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઇઝેશને (ઇસરો)એ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ-05 (ઇઓએસ-05) સફળતાપૂર્વક અંતરિક્ષમાં તરતો મૂક્યો છે. ઇઓએસ-05 સેટેલાઇટ જીઓસ્ટેશનરી સેટલેાઇટ લોન્ચ વ્હિકલ - એફ-17 (જીએસએલવી-એફ-17) પ્રકારના રોકેટ દ્વારા ‘ઇસરો’ના શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ પરથી તરતો મૂકાયો છે. ઇઓએસ-05 સેટેલાઇટ અત્યાર સુધીનો વજનમાં સૌથી ભારે ભરખમ એટલે કે 2,367 કિલોગ્રામનો છે.

‘ઇસરો’એ તેના ઇઓએસ-05 સેટેલાઇટને ‘આઈ ઇન ધ સ્કાય’ એવું વિશિષ્ટ ઉપનામ આપ્યું છે. જ્યારે તેને છોડનારાં રોકેટને ‘નોટીબોય’ તરીકે ઓળખાવાયું છે. ઉલ્લેખનીય છે કે 2021ના ઓગસ્ટમાં અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ-03 મિશન નિષ્ફળ ગયું હતું. જોકે ઇઓએસ-05 સેટેલાઇટ સફળતાથી તરતો મૂકાયો હોવાથી ‘ઇસરો’ના વિજ્ઞાાનીઓએ અને એન્જિનિયરોએ આનંદ અને સંતોષ વ્યક્ત કર્યો છે.

‘ઇસરો’ના ચેરમેન ડો. વી. નારાયણને કહ્યું છે કે ઇઓએસ-05 સેટેલાઇટ સફળતાથી તરતો મૂકાયો તેની બરાબર 18મી મિનિટે સબ-જીઓસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (31,026 કિલોમીટર) સુધી પહોંચી ગયો છે. હવે અમે બહુ થોડા જ દિવસોમાં સેટેલાઇટને તેની મૂળ 36,000 કિલોમીટરની ભ્રમણકક્ષામાં સફળતાથી ગોઠવીશું. શ્રીહરિકોટાના સ્પેસ પોર્ટ પરથી આ 107મું લોન્ચિંગ સફળતાપૂર્વક તરતું મૂકાયું છે. આ જ અવકાશ મથક પરથી અત્યાર સુધીમાં જીએસએલવીનાં કુલ 19 મિશન્સ પણ સફળતાથી તરતાં મૂકાયાં છે.

તેમણે કહ્યું હતું કે સેટેલાઇટ સફળતાથી તરતો મૂકાયા બાદ અમને મળેલી વિગતો મુજબ સેટેલાઇટના તમામ વાલ્વ સારી રીતે કાર્યરત છે. સેટેલાઇટની બંને સોલાર પેનલ્સ (સૌર ઉર્જા મેળવવા માટેની બે પાંખ) બરાબર કામ કરી રહી છે. આમ સેટેલાઇટની સમગ્ર યંત્રણા વ્યવસ્થિત રીતે કામ કરે છે. ડો. વી. નારાયણને બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહ્યું છે કે આપણો ઇઓએસ-05 પૃથ્વીની સૌથી સ્પષ્ટ, સૌથી સુંદર, સૌથી સચોટ ઇમેજ લઇ શકે તેવો અને પ્રકાશને હજારોના હિસ્સામાં વહેંચી શકે તેવો વિશ્વનો પહેલો અને અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતો સેટેલાઇટ છે.

સરળતાથી સમજીએ તો આપણો ઇઓએસ-05 સેટેલાઇટ પૃથ્વીથી આકાશમાં 36,000 કિલોમીટના અંતરે ગોળ ગોળ ઘુમીને પૃથ્વી પરનાં પાણી, વૃક્ષ, નાના છોડવા, ખનિજ તત્વો, પ્લાસ્ટિક વગેરેની સૌથી સ્પષ્ટ અને સૌથી સચોટ છબી લઇ શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter