નવી દિલ્હીઃ આઇએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઇએ છઠ્ઠી જૂને પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમની ચાર કલાક પૂછપરછ કરી હતી. આ પૂછપરછ બાદ હવે ઇડીએ પણ આગામી ૧૨મી જૂને ફરી સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવ્યા છે. સીબીઆઇના હેડક્વાર્ટર પર આવ્યા બાદ ચિદમ્બરમે જણાવ્યું હતું કે હું સીબીઆઇ સમક્ષ હાજર થયો હતો, જોકે આ કેસમાં એજન્સીએ જે એફઆઇઆર દાખલ કરી છે તેમાં મારું નામ નથી. ટ્વિટર પર ચિદમ્બરમે જણાવ્યું હતું કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (એફઆઇપીબી) સંલગ્ન સવાલ જવાબ જ પૂછવામાં આવ્યા હતા.
સીબીઆઇએ ૧૫મી મેએ દાખલ કરેલી એફઆઇઆરમાં દાવો કર્યો હતો કે ૩૦૫ કરોડ રૂપિયાનું વિદેશી ભંડોળ મેળવવા માટે આઇએનએક્સ મીડિયાને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ દ્વારા જે મંજૂરી આપવામાં આવી તેમાં ગેરરીતી આચરવામાં આવી હતી અને તે સમયે નાણા પ્રધાન પી. ચિદમ્બરમ હતા. આ કેસમાં અગાઉ ચિદમ્બરના પુત્ર કાર્તી ચિદમ્બરમની પણ ધરપકડ થઇ ગઈ છે.