આઈએનએસ વાગીરઃ ભારતીય નૌસેનામાં વધુ એક સ્વદેશી સબમરીન

Wednesday 25th January 2023 14:28 EST
 
 

મુંબઈઃ ભારતીય નૌકાદળના કાફલામાં સંપૂર્ણ સ્વદેશી બનાવટની સબમરીન આઈએનએસ વાગીર સામેલ કરવામાં આવતા સમુદ્રી સુરક્ષા કવચ ઔર મજબૂત બન્યું છે. ભારતીય નૌકાદળમાં માત્ર 24 મહિનાના ગાળામાં ત્રીજી સબમરીન સામેલ થઇ છે. ‘વાગીર’ ફારસી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે શિકારી.
આ અત્યાધુનિક સબમરીન મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ દ્વારા ફ્રાન્સના સહયોગથી તૈયાર કરવામાં આવી છે. સ્કોર્પિયન ક્લાસની પાંચમી સબમરીન આઈએનએસ વાગીર નૌકાદળના વડા આર. હરિકુમારના હસ્તે નેવીમાં જોડાઈ હતી. ભારતમાં સ્વદેશમાં જ નિર્મિત ફ્રિગેટ, ડિસ્ટ્રોયર, એરક્રાફ્ટ કેરિયર સહિતના દરેક પ્રકારના યુદ્ધ જહાજો તૈયાર થઈ રહ્યા છે.
અત્યંત આધુનિક શસ્ત્રોથી સજજ આ સબમરીન ગાઇડેડ ટોર્પિડો અને જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલ્સથી સજજ છે. યુદ્ધની સંવેદનશીલ જાણકારીઓ એકત્ર કરવા ઉપરાંત સમુદ્વમાં સુરંગ બિછાવવાની તથા સર્વેલન્સની કામગીરીમાં તેનો ઉપયોગ કરી શકાશે. કલાકના 37 કિમીની ઝડપે અંતર કાપતી આ સબમરીન સમુદ્રની સપાટી પર એક વારમાં 12,000 કિમીનું અંતર કાપી શકે છે જ્યારે સમુદ્રની અંદર તે એક વારમાં 1000 કિમીનું અંતર કાપી શકે છે. સમુદ્વમાં 350 મીટરની ઊંડાઇ સુધી જઇ શકતી આ સબમરીન સતત 50 દિવસ સમુદ્રના પેટાળમાં રહી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter