નવી દિલ્હીઃ આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા શરૂ કરાયેલી એક સ્વતંત્ર તપાસે બેંકની આચારસંહિતાના ઉલ્લંઘન બદલ પૂર્વ સીઇઓ ચંદા કોચરને દોષી ઠેરવ્યા છે. તપાસનો રિપોર્ટ ૩૦મીએ જસ્ટિસ (નિવૃત્ત) બી. એન. શ્રીકૃષ્ણે સુપરત કર્યો હતો. ચંદા કોચરની કામગીરી સંબંધે વાર્ષિક જાણકારી અંગે ખંતનો અભાવ અને આચારસંહિતાનું ઉલ્લંઘન જણાયું હતું, એમ રિપોર્ટમાં જણાવાયું હતું. આ રિપોર્ટના આધારે બેંકના બોર્ડે તેમના રાજીનામાને ટર્મિનેશન ફોર કોઝ (ગંભીર અપરાધ બદલ લેવી પડતી વિદાઇ) તરીકે ગણ્યું છે અને બોનસ સહિત તેમની લેણી રકમની ચૂકવણીને અટકાવી છે.
બેંકની આંતરિક તપાસના રિપોર્ટે જણાવ્યું હતું કે ચંદા કોચરે આચારસંહિતાનું અને હિતોના ટકરાવ સાથે નિસ્બત ધરાવતા માળખાનું ઉલ્લંઘન કર્યું હતું. કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સથી લઇને ઓઇલ અને ગેસ સુધીના ક્ષેત્રમાં કાર્યરત વીડિયોકોન ગ્રુપની તરફેણ કરી હોવાના આક્ષેપો હેઠળ ઘેરાઇ ગયા બાદ ચંદા કોચરે ઓકટોબરમાં રાજીનામું આપ્યું હતું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળના ૨૦ બેંકોના સમૂહ દ્વારા વીડિયોકોનને રૂ. ૪૦૦૦૦ કરોડની લોન મળી હતી. તેમાં આઇસીઆઇસીઆઇ બેંકનો હિસ્સો રૂ. ૩૨૫૦ કરોડ હતો.
ચંદા કોચરને આઇસીઆઇસીઆઇ બેંકનો ટેકો!
શરૂઆતના તબક્કામાં ચંદા કોચરને આઇસીઆઇસીઆઇ બેંકે ટેકો આપ્યો હતો, પરંતુ પાછળથી બેંકે આક્ષેપોમાં તપાસ કરવા એક સમિતિની રચના કરી હતી. વધુ આક્ષેપો બહાર આવવાને પરિણામે એકથી વધુ એજન્સીઓએે તપાસની કામગીરી શરૂ કરી હતી. ચંદા કોચર ૧૯૮૪માં બેંકમાં મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે જોડાયા હતા અને ૨૦૦૯માં બેંકના સીઇઓ અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિમણૂક પામ્યા હતા.


