આકાશ-ઇશાની ટીમે ‘પ્રોજેક્ટ રેડવુડ’ને આખરી ઓપ આપ્યો

Wednesday 29th April 2020 06:17 EDT
 
 

મુંબઇ: કોરોનાના સંકટ વચ્ચે દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ કંપની ફેસબુક અને રિલાયન્સ જિયો વચ્ચે રૂ. ૪૩,૫૭૪ કરોડની ડીલ થઈ. આ ડીલ પછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઉછાળો આવ્યો તો મુકેશ અંબાણી ચીનની અલીબાબાના જેક માને પછાડીને ફરી એશિયાના સૌથી ધનવાન માણસ બની ગયા. મુકેશ અંબાણીએ ૧૪ મહિના પહેલા આ ડીલ મુદ્દે માર્ક ઝકરબર્ગ સાથે વાત શરૂ કરી હતી.
આ યોજનાને પુત્ર આકાશ અને પુત્રી ઈશા અંબાણીએ ફેસબુક હેડ ક્વાર્ટરની અનેક મુલાકાત લઈને અંતિમ રૂપ આપ્યું હતું. આ ડીલ ફાઈનલ કરવામાં બંનેએ રિલાયન્સની ૩૦ સભ્યોની કોર ટીમ બનાવી હતી. આ સિક્રેટ મિશનને ‘પ્રોજેક્ટ રેડવુડ’ નામ અપાયું હતું, અને ૧૪ મહિનામાં સોદો કરી દેવાયો છે.
ખરેખર તો ૨૨ એપ્રિલે આ ડીલ સાઈન થવાની હતી, પરંતુ લોકડાઉન જાહેર થતાં કંપનીએ વીડિયો કોન્ફરન્સિંગની મદદથી જુદા જુદા વિભાગોના કોર ટીમના સભ્ય મનોજ મોદી, પંકજ પવાર અને અંશુમન ઠાકુરે અનેક દિવસ ઊંઘ્યા વિના આ યોજના અંતિમ તબક્કામાં પહોંચાડી.

પ્રોજેક્ટનું નામ રેડવુડ કેમ?

આ ડીલને પ્રોજેક્ટ રેડવુડ નામ અપાયું હતું. આ નામ રાખવાનું કારણ એ છે કે, ફેસબુકનું હેડ ક્વાર્ટર કેલિફોર્નિયામાં આવેલું છે, અહીં રેડવુડના વૃક્ષો મોટી સંખ્યામાં છે. આ ડીલ આખરી તબક્કામાં પહોંચી ત્યારે ભારતમાં લોકડાઉન જાહેર થયું. વીડિયો કોન્ફરન્સિંગ એકમાત્ર વિકલ્પ હતો. ૧૬ માર્ચની મીટિંગ રદ થયા પછી બંને કંપની વચ્ચે પહેલી વર્ચ્યુઅલ મીટિંગ ભારતમાં ૨૧-૨૨ માર્ચે થઈ હતી.

‘શું હું થોડાક કલાક સૂઈ શકું છું?’

મુકેશ અંબાણી અને માર્ક ઝકરબર્ગ વચ્ચે આ મુદ્દે વાતચીતમાં ઝડપ ત્યારે વધી, જ્યારે ફેસબુકે અજીત મોહનને ઈન્ડિયા હેડ બનાવ્યા. આ ડીલ સાઈન કરાવવામાં અંશુમન ઠાકુરની ભૂમિકા પણ મહત્ત્વની રહી. બુધવારે ૨૨ એપ્રિલે તેઓ અજીત સાથે સવારે ચાર વાગ્યાથી ફોન પર વાત કરતા હતા.
આ ડીલ પહેલા તેઓ ડોક્યુમેન્ટ્સનો ફાઈન ડ્રાફ્ટ તૈયાર કરતા હતા. તેઓ એટલા થાકી ગયા હતા કે, તેમણે સિનિયરોને પૂછવું પડ્યું હતું કે, ‘શું હું થોડા કલાક સૂઈ શકું છું?’ આ ડીલની મીડિયામાં જાહેરાત કરતા પહેલા સૂઈ જવું પણ મોટી વાત હતી. અંશુમન કહે છે કે, લોકડાઉનના કારણે વાતચીતનો સિલસિલો અટક્યો ના હોત, તો અમે આ ડીલ ૩૧મીએ જ જાહેર કરી દીધી હોત!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter